પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત ૫.૫ કરોડના ખર્ચે કાચ્છાઈ, સૂઢા વણસોલ, કેસરા અને વરસોલા ગામનાં રસ્તાઓનું ખાતમુહુર્ત
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત રૂ. ૫.૫ કરોડના ખર્ચે મહેમદાવાદ તાલુકાના કાચ્છાઈ, સૂઢા વણસોલ, કેસરા અને વરસોલા ગામનાં કુલ ૪ રસ્તાઓનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ અવસરે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે છેવાડાના માણસોની ચિંતા કરતી ગુજરાત સરકારની સામાજીક, આર્થિક અને આરોગ્યને લગતી અનેકવિધ યોજનાઓથી લોકોની સુખાકારીમાં વધારો થયો છે. મહેમદાવાદ તાલુકાના વિકાસની વાત કરતા તેમણે જણાવ્યું કે કોરોનાકાળમાં મહેમદાવાદમાં આશરે ૪૨ જેટલા ઉદ્યોગોની સ્થાપના દ્વારા સ્થાનિક રોજગાર આપવાનો પ્રમાણિક પ્રયત્ન કરવામાં આવ્યો છે. સ્માર્ટ ક્લાસ અને સ્કૂલ ઓફ એકસેલન્સ, આયુષ્યમાન કાર્ડ, ગંગાસ્વરૂપા જેવી યોજનાઓના અમલથી લોકો વધુ સશકત અને આત્મનિર્ભર બન્યા છે અને ગુજરાત રાજ્ય ઉત્તમથી સર્વોત્તમ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, એમ અર્જુનસિંહે જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્યો નટવરસિંહ અને અજીતભાઈ ડાભી, માજી ધારાસભ્યશ ગૌતમભાઈ ચૌહાણ, મહેમદાવાદ તાલુકા પ્રમુખ ભીખાભાઈ પરમાર, તાલુકા પંચાયત સભ્યો નિલેશભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ ચૌહાણ, રામસિંહ ચૌહાણ, કારોબારી અધ્યક્ષ અંકિતભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો, સરપંચો, ગ્રામ પ. સભ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.