જિલ્લા પુરવઠા અધિકારી અને સ્થાનિક સત્તાધીશોની ટીમના દરોડામાં.....

કાલોલના મધવાસ ખાતે પ્રમુખ પેટ્રોલિયમ કંપનીમાં Ok ગેસના રિફીલિંગના વ્યાપારની આડશમાં Go ગેસ કંપનીના બોટલોના રિફીલિંગના કરતૂકોનો પર્દાફાશ.!!

કાલોલના મધવાસ ખાતે આવેલ પ્રમુખ પેટ્રોલિયમ કંપનીમાં Ok ગેસ એજન્સીના બોટલોમાં ગેસ રિફિલિંગ કરવાના કાયદેસરના પરવાનાની આડશોમાં Go કંપનીના બોટલોમાં ગેરકાયદે રિફીલિંગ કરીને વ્યાપાર કરવાના ચાલી રહેલા કારોબારો ઉપર પંચમહાલ કલેકટર સુજલ મયાત્રાના એક ઈશારા સાથે જિલ્લા પુરવઠા કચેરીના કર્મચારી શીતલબેન સોલંકીએ અધિકારીઓની ટીમ સાથે અચાનક રેડ કરીને લાંબા સમયથી ચાલી રહેલા આ ગોરખધંધાઓનો પર્દાફાશ કરીને અંદાઝે ₹ ૧૧ લાખની કિંમતના અંદાઝે ૪૦૦ ઉપરાંત Go ગેસ કંપનીના ગેસના બોટલોનો જંગી જથ્થો ઝડપી પાડતા હડકંપ પ્રસરી જવા પામ્યો હતો. કાલોલ તાલુકાના મધવાસ પંચાયત હદ વિસ્તારમાં આવેલ કાલોલ હાલોલ હાઈવે સ્થિત આવેલ પ્રમુખ પેટ્રોલિયમ નામના ગેસ એજન્સીની ફેક્ટરી પ્લાન્ટ ખાતે પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે ઓચિંતી રેડ પાડીને ઉસકી ટોપી ઈસકે સર જેવા Ok કંપનીના ગેસ એજન્સીના લાયસન્સ હેઠળ Go ગેસ કંપનીનું ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપી પાડીને જથ્થો સીઝ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા પુરવઠા વિભાગને Go ગેસ કંપનીના મેનેજરે રેકી કરીને ગેસ એજન્સી ના ગોરખધંધાની પાક્કી બાતમીને આધારે બુધવારે જિલ્લા પુરવઠા વિભાગના નિરિક્ષક અને કાલોલ પુરવઠા વિભાગના નેતૃત્વમાં મધવાસ પંચાયત હદ વિસ્તારમાં આવેલા પ્રમુખ પેટ્રોલપંપ સ્થળે છાપો મારતા ઘટના સ્થળેથી લાયસન્સ કે અધિકૃત કંપનીના કે પ્રોપરાઇટરના બિલ વિનાના Go કંપનીના ૨૧ કિલો વજનના ભરેલા હોય એવા ૧૩ બોટલ, જ્યારે Go કંપનીના ૧૫ કિલો વજનના ૧૩૫ બોટલ ઉપરાંત ખાલી એવા ૩૯૫ બોટલ મળી આવ્યા હતા જ્યારે Ok કંપનીના ૨૧ કિલોના ભરેલા એવા ૫૯ બોટલ મળી આવ્યા હતા. અત્રે સમગ્ર રેડમાં પ્રમુખ પેટ્રોલિયમ પ્લાન્ટ પાસે Ok ગેસ કંપનીના એલપીજી ગેસ રિફિલ કરવાનું એજન્સીનુ લાયસન્સ ધરાવે છે તેમ છતાં Ok ગેસ કંપનીના લાયસન્સ હેઠળ Go ગેસ કંપનીના બોટલોનો જથ્થો મેળવીને બારોબાર કોમર્શિયલ વેપલો કરતા હોવાના ગોરખધંધા નો પર્દાફાશ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે સમગ્ર કારસ્તાન અંગે Go ગેસ કંપનીના મેનેજરે પાછલા પંદર દિવસથી Ok કંપનીના આ પ્લાન્ટની રેકી કરીને Go ગેસ કંપનીના લાયસન્સ કે અધિકૃત બિલ વિના વેપલો કરતા હોવાની પુરી બાતમી પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગને આપીને બુધવારે સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કરી દીધો હતો. સમગ્ર ગોરખધંધા અંગે કાલોલ પુરવઠા વિભાગ દ્વારા Go ગેસ કંપનીના લાયસન્સ કે બિલ વિનાના ૪૦૦ ઉપરાંત એલપીજી બોટલો સહિત રૂ. ૧૧,૫૫,૬૦૦ લાખનો મુદ્દામાલ સીઝ કરીને પ્રમુખ પેટ્રોલિયમ પ્લાન્ટ મેનેજર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાના ચક્રો ગતિમાન કર્યા છે.