અનેક માનવજીદગીઓ અને મૂંગા પ્રાણીઓના જીવન હોમાઈ ગયા હોવા છતાં હાઇવે ઓથોરિટી નિષ્ક્રિકર : કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રીને થઈ ફરિયાદ પોરબંદરને ચારેબાજુ નેશનલ હાઈવેનો લાભ મળ્યો છે પરંતુ એ જ નેશનલ હાઈવે અનેક પોરબંદરવાસીઓ સહિત પ્રવાસીઓ માટે જોખમી બની ચૂક્યો છે . મુખ્ય હાઇ વે પર અડીંગો જમાવીને બેસતા અને ઉભતા પશુઓ વારંવાર અકસ્માત સર્જી રહ્યા છે તેમ છતાં પણ તગડો ટોલટેક્સ વસૂલતી નેશનલ હાઇવે ઓથોરિટી આ મુદ્દે ગંભીર બનતી નથી તેથી કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રીને ફરિયાદ થઈ છે .


 પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદરના કોંગી આગેવાન રામદેભાઇ મોઢવાડીયા એ કેન્દ્રસરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરને દ્વારકા સોમનાથને જોડતો નેશનલ ઈવે અને પોરબંદર રાજકોટવાળો નેશનલ હાઈવે ૮ બીની સુવિધા તો પ્રાપ્ત થઈ છે પરંતુ આ હાઇવે પશુઓ અને માણસો માટે યમદૂત સાબિત થયો છે કારણ કે અહીંયા બેફામ સ્પીડે જતા વાહનો આજે અચાનક ગાય નંદી , નીલગાય ( રોજડું ) , શિયાળ , શ્વાન અને ડુક્કર જેવા પશુઓ વાહન આડે ઉતરે છે અને તેના કારણે વાહન અકસ્માત સર્જાય છે જેમાં અસંખ્ય નિર્દોષ માનવ જીદગીઓ મોતને ભેટી ચૂકી છે . પોરબંદરના અનેક આશાસ્પદ યુવાનોના આ હાઈવે પર સર્જાતા વાહન - અકસ્માતમાં ભોગ લેવાય ચૂક્યા છે . હોટલ અને ધાબા વાળા લોકોએ ડિવાઈડરમાં ખાચા પાડ્યા છે જેથી ગંભીર અકસ્માતો સર્જાય છે . આમ છતાં તેને અટકાવવાની જેની જવાબદારી છે તે નેશનલ હાઇવે ઓથોરિટી આ મુદ્દે કોઇ નક્કર કાર્યવાહી કરતી નથી .


 કોંગી આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ કેન્દ્રીયમંત્રીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે નેશનલ હાઇવે ઓથોરિટી વાહનચાલકો પાસેથી તગડો ટોલટેક્સ વસૂલે છે તેમ છતાં રખડતાં પશુઓને દૂર કરવા માટે કોઈ જ કાર્યવાહી કરતી નથી તે તંત્ર માટે શરમજનક બાબત છે .નેતાઓની ગાડીઓને પશુઓ કેમ નથી નડતા ધારાસભ્ય , સાંસદો અને મંત્રીઓ આ હાઈવે ઉપરથી પસાર થાય ત્યારે તેમને આવા પ્રાણીઓ કેમ નડતા નથી તેવો સવાલ ઉઠાવીને રામદેવભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું છે કે જ્યારે નેતાઓ આવવાના હોય ત્યારે હાઇવે ઓથોરિટી રસ્તે રખડતા પશુઓને અટકાવવા માટે ગંભીર બને છે અને અગાઉથી તેના વાહનો મોકલીને રસ્તા પરથી પશુને દૂર કરે છે તેમ જણાવીને તંત્રની બેદરકારી ભરી નીતિ વિશે પણ ટકોર કરી હતી . 


હાઈવે ઉપર ગાડા બાવળનું સામ્રાજ્ય: પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ ગાડા બાવળનું સામ્રાજ્ય છવાઈ ગયું છે ચોમાસા દરમ્યાન થયેલા વરસાદને લીધે બાવળની ડાળીઓ રોડ પર જોખમી બની ગઈ છે તેના લીધે પણ અસંખ્ય અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેથી તંત્રની ડાળીઓનું કટીંગ કરાવે તેવી રામદેવભાઇ મોઢવાડિયાએ રજૂઆત કરી છે . 

ડિવાઈડરો પર રસ્તાના બનાવેલા ખાંચા અકસ્માતોના સર્જક: પોરબંદરના આ નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ અમુક વાડી માલિકો , ધાબાવાળા ઓ અને પેટ્રોલ પંપના સંચાલકોએ ડિવાઈડર તોડીને અવરજવર માટેના ખાચા બનાવ્યા છે તેથી આ ખાચામાંથી બનાવેલા સોટકટ નો ઉપયોગ અનેક વાહનચાલકો કરે છે ત્યારે પણ અકસ્માત સર્જાય છે અને પોરબંદર જિલ્લામાં આવા ખાંચામાંથી પસાર થતા વાહનો દ્વારા સર્જાયેલા અકસ્માતમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઇ ચૂકી છે . તેમ છતાં તે મુદ્દે પણ હાઇવે ઓથોરિટી મૌન ધારણ કરીને બેસી ગઈ છે તેમ જણાવીને તે અંગે પણ ઓથોરિટીને કડક સૂચના આપવા રામદેવભાઈ મોઢવાડિયાએ માંગ કરી છે .