ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગોળી મારી થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી સર્વેલન્સ આધારે પોલીસે આરોપીઓ પકડ્યા છે. પત્નીના પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર -11 બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં આશરે 35 વર્ષીય કિરણ હીરાજી મકવાણાને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેથી ચકચાર મચી હતી.
ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત 26મી તારીખે કિરણજી મકવાણાની હત્યા થઈ હતી. બરડાના ભાગે ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે ટીમો બનાવી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, હત્યા પછી ભાગવા જતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને ઇજા થઈ હતી. ત્યાં દેશી પિસ્તોલ પડી ગઈ હતી. જે પોલીસને મળી આવી છે. અગાઉ આરોપીએ રેકી કરી હતી.
મૃતકની પત્ની સાથે જીતેન્દ્રને પ્રેમસંબંધ હતા. આ પ્રેમપ્રકરણમાં મૃતક નડતરરૂપ થતો હોવાથી હત્યા કરવામાં આવી છે. બંનેની ધરપકડ કરતાં ગુનો કબૂલ્યો છે. જીતેન્દ્ર પણ પરણીત છે. જોકે, તેને તેની પત્ની ગમતી નહોતી. પરણીતા અને પ્રેમી બંને એક ગામના હતા. જેથી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. આ હત્યામાં જીતેન્દ્રને તેના મિત્ર જૈમિને મદદ કરી હતી. પત્નીએ કોઈ ટીપ આપી હતી કે પછી દુષ્પ્રેરણા આપી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવીના આધારે તપાસ કરતા પોલીસ મહેસાણા સુધી પહોંચી હતી. જેમા હત્યારાઓ સુધી પોલીસ પહોંચવામાં સફળતા મળી હતી. મૃતકના પરિવારના પત્ની સહિતના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા હતા . મર્ડર બાબતે પોલીસ પ્રેમ પ્રકરણ, જમીન બબાલ, કચેરીમાં કોઇ બબાલ સહિતની બાબતો ઉપર તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં પત્નીનું પ્રેમપ્રકરણ સામે આવ્યું હતું. આરોપી હથિયાર રાજસ્થાનથી લાવ્યો હોવાનું કબૂલ્યું છે. મૃતકની પત્ની ના આરોપીઓ પૈકી સાથે એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. આરોપી જીતેન્દ્ર પટેલ તથા જૈમિન રાવળ ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી જીતેન્દ્ર પટેલ મૂળ ગોઝારીયાનો વતની છે.