મહેસાણાના ગોઝારિયા ગામના અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા 16 વર્ષીય શ્રેય પટેલની ઓસ્ટ્રેલિયન ડેફ ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ છે. બુધવારથી દુબઇ ખાતે શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની ઇન્ટરનેશનલ સિરિઝમાં શ્રેય સ્પિનર બોલર તરીકે હાથ અજમાવશે.
ગોઝારિયાના વાંટા વિસ્તારમાં રહેતા પટેલ હરેશ અંબાલાલ લાંબા સમયથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. હરેશભાઇ પરિવાર સાથે વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમ ગયા હતા, ત્યારે તેમના દીકરા શ્રેયને ક્રિકેટ પ્રત્યે આકર્ષણ થયું હતું. વર્ષ 2014માં એડિલેડ વોરિયર્સ ક્રિકેટ ક્લબમાં કેટલાક મિત્રો સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યા બાદ 2015માં ગાઝા ક્રિકેટ ક્લબની અંડર-11 ટીમમાં જોડાયો હતો. જાન્યુઆરી 2020માં જીલોંગ ખાતે નેશનલ ક્રિકેટ ઇન્ક્લુઝન ચેમ્પિયનશિપ રમી હતી. જે-તે સમયે 14 વર્ષની ઉંમરે ટૂર્નામેન્ટમાં રમનાર સૌથી યુવા ખેલાડી હતો.