રાજ્યના 20 જિલ્લામાં લમ્પી વાઇરસ કેર બનીને ગૌવંશ પર ત્રાટકી રહ્યો છે, તેવા તબક્કામાં લમ્પી વાઇરસના આંકડા ડરાવનારા છે. લમ્પી વાઇરસના વધતા જતા કેસને જોતાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. જેમાં તેમણે ચોંકાવનારા આંકડા દર્શાવ્યા છે.
રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું કે રાજ્યના 20 જિલ્લાનાં 1935 ગામમાં લમ્પી વાઇરસના કેસ નોંધાયા છે, જેમાં રાજકોટ, જામનગર અને કચ્છ જિલ્લા સૌથી વધુ પ્રભાવિત છે. લમ્પીના કારણે અત્યાર સુધીમાં 1431 ગૌવંશનાં મોત થઈ ચૂક્યાં છે અને રાજ્યભરમાં હાલમાં લમ્પીના ભરડામાં 37,414 પશુઓ સપડાયેલા છે, જેમને વેક્સિન આપવાની સાથે તેમની સારવાર કરવામાં આવી રહી છે.
રાઘવજી પટેલે જણાવ્યું કે, લમ્પી વાઇરસના અત્યાર સુધીમાં કુલ 54,161 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 16,747 પશુઓમાં રિકવરી આવી ચૂકી છે, જ્યારે 37,414 પશુઓની હાલમાં સારવાર ચાલી રહી છે. રાઘવજીએ આ અંગે વધુમાં જણાવ્યું કે આવતા ગુરુવારે તેઓ પોતે આ અંગે કચ્છ જિલ્લાની મુલાકાત લેશે અને સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી દિશાનિર્દેશ આપશે.
આ ઉપરાંત રાઘવજી પટેલે જણાવ્યું છે કે, હાલમાં રાજ્યમાં વેક્સિન માટે 7 લાખ ડોઝ ઉપલબ્ધ છે, જે આઉટસોર્સ કરવામાં આવેલા 332 ડોક્ટર ખડેપગે રહીને પશુધનને આપી રહ્યા છે. આ ઉપરાંત પશુ ડોક્ટરને મોબાઇલ પશુવાન આપવામાં આવી છે. આ ઉપરાંત કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની અધ્યક્ષતામાં એક ટાસ્કફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં 5 સભ્યની નિમણૂક કરવામાં આવી છે.