બંને અંગદાતા પરિવારને નતમસ્તક વંદન...પ્રણામ...સલામ...

ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ૪૧ માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું.

ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે બે અંગદાન સુરતની વિનસ અને કિરણ હોસ્પીટલથી કરાવવામાં આવ્યા.

બ્રેઇનડેડ ભનુભાઈ ફિણવીયા ઉ.વ. ૪૬ અને મંજુબેન કાછડિયા ઉ.વ. ૫૭ બ્રેઈનડેડ થતા બંને પરિવારોએ ડોનેટ લાઈફ સંસ્થાના મધ્યમથી પોતાના વહાલસોયા સ્વજનના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી ૧૦ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

સુરતની વિનસ હોસ્પીટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પીટલનું ૨૭૩ કિ.મીનું અંતર ૯૦ મીનીટમાં કાપીને હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ બાંસવાડા, રાજસ્થાનના રહેવાસી ૫૭ વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું.

ગુજરાત સરકાર દ્વારા શરુ કરેલ ગુજરાત સ્ટેટ એવીએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિ. (ગુજસેલ) દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વખત હૃદયને એક શહેર થી બીજા શહેરમાં પહોચાડવામાં આવ્યું હતું.

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

બનાવ-૧ મંજુબેન વિઠ્ઠલભાઈ કાછડિયા ઉ.વ. ૫૭

મૂળ ગામ: જસપર, તા. કાલાવડ (શીતળા), જી. જામનગરના રહેવાસી અને હાલમા ૧૧, ભાવના સોસાયટી, લલીતા ચોકડી, કતારગામ, સુરત મુકામે રહેતા મંજુબેન વિઠ્ઠલભાઈ કાછડિયાને તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૭:૦૦ કલાકે ખેંચ આવતા અને ઉલ્ટીઓ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરી. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજની નસ ફાટી જવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરે EVD એક્સ્ટ્રા એવેન્ટ્રી કુલર ડ્રેનેજની સર્જરી કરી હતી. 

તા.૨૪ સપ્ટેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે મંજુબેનને બ્રેનડેડ જાહેર કર્યા.

મંજુબેનના પુત્ર શૈલેશ કાછડિયાએ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખશ્રી નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી પોતાની બ્રેઈનડેડ માતાના અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવવા જણાવ્યું. તદ્દ ઉપરાંત મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે પણ મંજુબેનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

બનાવ-૨ ભનુભાઈ નાગજીભાઈ ફિણવીયા ઉ.વ. ૪૬

મૂળ ગામ: ગાધકડા, તા: સાવરકુંડલા, જી: અમરેલીના રહેવાસી અને હાલમાં સી-૧૩૬, સાગર સોસાયટી, કાપોદ્રા, સુરત મુકામે રહેતા, કામરેજમાં પ્લાસ્ટિક રીસાયક્લીનના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલા ભનુભાઈ નાગજીભાઈ ફિણવીયા ઉ.વ. ૪૬ ને તા.૨૧ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩:૦૦ કલાકે માથામાં દુઃખાવો અને બેચેની લાગતા તેઓને વિનસ હોસ્પિટલમાં ન્યુરો ફીજીશાયન ડો. રાકેશ ભારોડીયા અને ડો. પરેશ પટેલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે MRI કરાવતા નાના મગજને લોહી પહોચાડતી નસોમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરો સર્જન ડો. પરેશ પટેલ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. 

તા.૨૪ સપ્ટેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.પરેશ પટેલ, ન્યુરોફીજીશિયન ડો. રાકેશ ભારોડીયા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. આકાશ બારડ, ડો.વિવેક દ્વિવેદીએ ભનુભાઈને બ્રેનડેડ જાહેર કર્યા.

ભનુભાઈના ભત્રીજા જૈનીત ફિણવીયાએ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખશ્રી નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી અંગદાનની સમગ્ર પ્રક્રિયા શુ છે તે સમજાવવા જણાવ્યું. 

ડોનેટ લાઈફની ટીમે કિરણ હોસ્પિટલ પહોંચી મંજુબેનના પતિ વિઠ્ઠલભાઈ, પુત્ર શૈલેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને તેમજ વિનસ હોસ્પિટલ પહોંચી ભનુભાઈ નાગજીભાઈ ફિણવીયાની પત્ની નયનાબેન, પુત્ર ભાગ્ય અને પુત્રી કુંજલ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ.

મંજુબેનના પતિ વિઠ્ઠલભાઈ, પુત્ર શૈલેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા, આ એક ઈશ્વરીય કાર્ય છે, દરેક વ્યક્તિએ પોતાના બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરવું જ જોઈએ, જેથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળી શકે. પુત્ર શૈલેશભાઈએ જણાવ્યું કે મારા માતૃશ્રી બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે તેના અંગોનું દાન કરાવીને વધુ ને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવ જીવન આપો. મંજુબેનના પરિવારમાં પતિ, પુત્ર અને ત્રણ પુત્રીઓ છે તેમના પતિ વિઠ્ઠલભાઈ કતારગામમાં આવેલ જૈન દિગંબર મંદિરના ગાર્ડનની દેખરેખ રાખવાનું કાર્ય કરે છે, પુત્ર શૈલેષની કતારગામ, લલીતા ચોકડી પાસે KSV સબમર્સીબલ પંપ નામની દુકાન છે, ત્રણેય પુત્રીઓ પરણિત છે. 

ભનુભાઈ નાગજીભાઈ ફિણવીયાની પત્ની નયનાબેન, પુત્ર ભાગ્ય અને પુત્રી કુંજલે જણાવ્યું કે અમારો પરિવાર સમર્પણ ધ્યાનયોગ સાથે સંકળાયેલ છે. અંગદાન એક ઈશ્વરીય કાર્ય છે. ભનુભાઈની પુત્રી કુંજલ કે જે MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે તેને જણાવ્યુ કે મેડીકલના વિધાર્થી તરીકે અંગદાનનું મહત્વ શુ છે, તે હું સારી રીતે સમજુ છું. મારા પપ્પા બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર બળીને રાખ જ થઇ જવાનું છે એના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતુ હોઈ તો અંગદાન માટે આપ આગળ વધો. ભનુભાઈનો પુત્ર ભાગ્ય BSC IT ના પહેલા વર્ષમાં આભ્યાસ કરે છે.

ભનુભાઈ મૂળ ગાધકડા ગામના રહેવાસી છે, ૨૬ મી જુનના રોજ ગાધકડા પટેલ મિત્ર મંડળ સુરત દ્વારા નાનુભાઈ સાવલિયા (સુખરામ ગ્રુપ) ના અધ્યક્ષપણા હેઠળ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોનેટ લાઈફ ના સ્થાપક અને પ્રમુખ નીલેશ માંડલેવાલાને મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરી ગાધકડા ગામના લોકોમાં અંગદાનની જન જાગૃતિ આવે તે માટેનો પ્રયાસ નાનુભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ ગાધકડા પટેલ મિત્ર મંડળ સુરત દ્વારા કરવામાં આવ્યો હતો. ગાધકડા ગામના રહેવાસી ભનુભાઈ નાગજીભાઈ ફિણવીયાના પરિવારે પોતાના બ્રેઈનડેડ સ્વજનના અંગદાન કરી સમાજમાં અંગદાન જીવનદાનનો સંદેશો ફેલાવ્યો છે.  

બંને પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરી હૃદય, કિડની અને લિવર દાન માટે જણાવ્યું.

SOTTO દ્વારા બે કિડની સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવી, બીજી બે કિડની અને હ્રદય અમદાવાદની ઝાયડસ હોસ્પીટલને ફાળવવામાં આવ્યુ. લિવર અમદાવાદની સીમ્સ હોસ્પીટલને ફાળવવામાં આવ્યું,

બે કિડનીઓનું દાન સુરતની કિરણ હોસ્પીટલના ડોકટરોએ, બીજી બે કિડની અને હૃદયનું દાન અમદાવાદની ઝાયડસ હોસ્પીટલના ડોકટરોએ, લિવરનું દાન અમદાવાદની સિમ્સ હોસ્પીટલના ડોકટરોએ, ૪ ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું..

દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૫૪ વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૬૨ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ.કલ્પેશ ગોહિલ, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર, ડો. મિથુન કે. એન. અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બીજી બે કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી ૫૪ વર્ષીય મહિલામાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ૩૫ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે, હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ બાંસવાડા, રાજસ્થાનના રહેવાસી ૫૭ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પીટલમા ડો.સંદીપ અગ્રવાલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ આણંદના રહેવાસી ૬૨ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સિમ્સ હોસ્પીટલમા ડો. અભિદીપ ચૌધરી, ડો.વિકાસ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. 

હ્રદય, કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા એકતાળીસમાં હૃદયનું દાન કરાવવામાં આવ્યુ છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ. ભનુભાઈ નાગજીભાઈ ફિણવીયા અને સ્વ. મંજુબેન વિઠ્ઠલભાઈ કાછડિયાના સમગ્ર પરિવારજનોને તેમણે કરેલા અંગદાનના નિર્ણય માટે સલામ કરે છે...વંદન કરે છે...નમન કરે છે...

બંને અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં મંજુબેનના પતિ વિઠ્ઠલભાઈ, પુત્ર શૈલેશભાઈ, પુત્રવધુ ચંદ્રિકાબેન, પુત્રીઓ જ્યોત્સનાબેન, કિરણબેન, કાજલબેન, દિયર ધનસુખભાઈ, ભત્રીજો રજનીક તેમજ પરિવારના અન્ય સભ્યો, ભનુભાઈની પત્ની નયનાબેન, પુત્ર ભાગ્ય, પુત્રી કુંજલ, ભાઈ નટુભાઈ, મુકેશભાઈ, ભત્રીજા જૈનીત, સાળા સંતોષભાઈ, સવજીભાઈ તથા પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ન્યુરોસર્જન ડૉ.પરેશ પટેલ, ન્યુરોફીજીશિયન ડો. રાકેશ ભારોડીયા, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.આકાશ બારડ, ડો.વિવેક દ્વિવેદી, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ, આસીસ્ટન્ટ ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર સંજય ટાંચક, કિરણ અને વિનસ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રીશ્રી રાકેશ જૈન, ટ્રસ્ટીશ્રી હેમંત દેસાઈ, બીરજુભાઇ મંધાની, કરણ પટેલ, સ્મીત પટેલ, અંકિત પટેલ, મહેન્દ્રસિંહ ગોહિલ, રમેશભાઈ વઘાસીયા, જગદીશભાઈ ડુંગરાણી, નરસીંહભાઈ ચૌધરી, કૃતિક પટેલ, કિરણ પટેલ, દિવ્યાંગ પટેલ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી અને રોહન સોલંકીનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૩૮ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૩૬ કિડની, ૧૮૫ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૧ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૩૮ ચક્ષુઓના દાનથી કુલ ૯૫૧ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

અંગદાન...જીવનદાન...

ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો- https://www.donatelife.org.in/  

#OrganDonation #Donatelife #SottoGujarat #NOTTO #nileshmandlewala #MansukhMandviya #PMOIndia #cmogujarat #HeartDonation #LiverDonation #KidneyDonation #EyeDonation #અંગદાનમહાદાન #અંગદાનજીવનદાન #MoHFWGUJARAT #MoHFWINDIA #Surat #Gujarat #KiranHospital #VenusHospital

રિપોર્ટ ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.