ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં બરવાળામાં લઠ્ઠાકાંડ સર્જાય બાદ રાજ્યના તમામ જિલ્લાઓની પોલીસ એલર્ટ થઈ છે અને દેશી-વિદેશી દારૂના વેપારીઓ ઉત્પાદકો અને વેચાણ કરતા લોકો ઉપર તવાઈ બોલવવામાં આવી રહી છે. આણંદના આંકલાવ પોલીસે બાતમી આધારે ભેટાસી ગામમાં દરોડો પાડી વિદેશી દારૂ બનાવવાની મીની ફેકટરી ઝડપી પાડી છે.પોલીસે બાતમીના આધારે ભેટાસીના પરા વિસ્તારમા આવેલ માંડવાપુરા સિમના એક ખેતરમાં આવેલ કુવાની ઓરડીમાં જ્યારે રેડ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

કારણ કે અહીં દેશી નહિ પરંતુ બનાવટી વિદેશી દારૂ બનવવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી ભેટાસીના સુરેશ ઉર્ફે ચકો ભાઈલભાઈ માળીને ઝડપી લીધો હતો. સ્થળ ઉપરથી પોલીસે વિદેશી દારૂ બનાવવાના સાધનો કેમિકલ અને વિવિધ બ્રાન્ડના લેબલોવાળી બોટલો પણ કબ્જે લીધી છે.

 મહત્વની વાત એ છે કે આ આખું નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી ચાલતું હતું. બનાવટી દારૂ બનાવવા માટેનું કાચું મટીરીયલ રાજસ્થાનથી આવતું હતું અને તેને પ્રોસેસ કરવા માટે રાજસ્થાનથી માણસો આવતા હતા. પ્રાથમિક પૂછપરછ દરમિયાન અહીં દૈનિક 40 પેટી બનાવટી દારૂ તૈયાર થતો હતો અને ત્યાર બાદ તે બુટલેગરો સુધી પહોંચાડવામાં આવતો હતો. હાલ પોલીસે સુરેશ માળીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ બાદ બનાવટી વિદેશી દારૂ માટે કેમિકલ એસેન્સ અને કાચું મટીરીયલ કોણ સપ્લાય કરતું હતું અને તૈયાર દારૂ કોને પોહચડવામાં આવતો હતો એ તમામ બાબતોનો પર્દાફાશ થશે.