કેબિનેટમંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટિસ કરાર પત્રોનો કાર્યક્રમ યોજાયો
ગુજરાત સરકાર નાગરિકોના રોટી,કપડાં,મકાનની સાથે રોજગારીની પણ સંભાળ લઇ રહી છે:-કેબિનેટમંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ
ભારત અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત યુવાનોને રોજગારી આપવામાં મોખરે છે :-કેબિનેટમંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ
ખેડા જિલ્લાના માતર ખાતે એન.સી.પરીખ સર્વોદય વિનય મંદિરમાં ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો રોજગાર નિમણૂક પત્ર અને એપ્રેન્ટિસ નિમણૂક પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયો હતો
કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે ગુજરાત સરકારની શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગની કામગીરી બિરદાવતા જણાવ્યું કે ભારત એક યુવા દેશ છે અને ભારતના યુવાનો ભારતની પ્રગતિનો આધારસ્તંભ છે. ગુજરાતના યુવાનોને રોજગારી માટે વલખા ન મારવા પડે તેના માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ સાથે અનેક પ્રોજેકટો કર્યા. અને તેમની એ નેમને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેક રોજગાર મેળા થકી અનેક યુવાનોએ નોકરી મેળવી છે.
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં વર્ષ 2017-2018 થી 2021-22 દરમ્યાન ગુજરાતમાં 15,77,068 યુવાનોને રોજગારા પ્રાપ્ત થયો છે. જે પૈકી 6,407 ભરતી મેળાના આયોજનથી 8,70,262 યુવાનોને રોજગારી આપવામાં આવી છે. વર્ષ 2022-23 દરમ્યાન રોજગાર કચેરીઓ દ્વારા 1,29,036 યુવાનોને રોજગારી આપવામાં સફળતા મળી છે. જ્યારે ખેડા જિલ્લામાં રોજગારવાંચ્છુઓ માટે છેલ્લા પાંચ વર્ષમાં 2017-18 થી 2021-22 દરમ્યાન 38,676 યુવાનોને રોજગારી આપવામાં આવી છે.
કેબિનેટ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે રોજગાર સેતુ પ્રોજેક્ટ દ્વારા અનુબંધન વેબપોર્ટલ તથા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી આજે ગુજરાતના યુવાનો રોજગારી મેળવી રહ્યા છે. નાની કંપનીઓથી માંડીને મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં આજે ગુજરાતનો યુવાન કાર્ય કરી રહ્યો છે.જે માં રોજગાર વિનિમયની કચેરી એક સેતુરૂપ બની છે.
કાર્યક્રમ અંતર્ગત કેબિનેટ મંત્રીશ્રી દ્વારા 10 વ્યક્તિઓને રોજગાર નિમણુંક પત્રો અને 10 વ્યક્તિઓને એપ્રેન્ટિસ કરાર પત્રો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નયનાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી બાબુભાઇ, ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઈ દવે, પ્રાંત અધિકારીશ્રી આનેંદુ સુરેશ ગોવિંદ, અધિકારીશ્રીઓ, કમર્ચારીઓશ્રી તેમજ મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ ઈરફાન મલેક