ગૌધનના રહેઠાણ, ખોરાક અને દવાઓના છંટકાવ માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવી તેમજ તાકીદે વેકસીનેશન થાય તે દિશામાં પગલાં લેવા મંત્રીશ્રીએ સૂચનો કર્યા*

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તે માટે જામનગરના દરેડ ગામે આવેલ માં ગૌદર્શન ગૌશાળાની તેમજ વિભાપર ગામે આવેલ વચ્છરાજ ગૌશાળાની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન ગૌશાળાના માલિકોને તેમજ પશુપાલન વિભાગને ગૌધનના રહેઠાણની યોગ્ય રીતે સાફ સફાઇ કરવામાં આવે, દવાઓનો છંટકાવ કરવામાં આવે તેમજ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત પશુઓને અલગ રાખવામાં આવે જેથી કરીને અન્ય પશુઓને તેનો ચેપ ન લાગે તે અંગેના સૂચનો કર્યા હતા. ઉપરાંત જામનગર જિલ્લાના ગૌધનમાં વેકસીનેશન અંગેની કામગીરી, પશુ એમ્બ્યુલન્સ મારફતે પૂરી પાડવામાં આવતી સુવિધાઓ, પશુઓને આપવામાં આવતા ખોરાક,ગૌશાળાઓમાં સ્વચ્છતા, દવાઓના છંટકાવ વગરેનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ કરેલ ગૌશાળાની મુલાકાત દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા, પશુપાલન વિભાગના ડોકટરશ્રીઓ, નોડલ ઓફિસરશ્રી, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી વસ્તાણી તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી