દીકરીનો જન્મ પિતૃગૃહના શણગારનો અવસર: મોરારીબાપુ
માનસ:માતુ ભવાની કથાનો દ્વિતીય દિવસ મહાનુભાવોની હાજરીથી સંપ્પન
મહુવા
મહુવા પાસેના સમુદ્રતટે ભવાની મંદિરની સન્નીધ્ધિમાં પુ.મોરારીબાપુ દ્રારા ગવાઇ રહેલી રામચરિત માનસની કથા દ્વિતીય દિવસે વિવિધ મહાનુભાવોની હાજરી વચ્ચે સંપન્ન થઈ.
આજની કથામાં દીકરીઓનું મહત્વ પ્રસ્થાપિત કરતાં અને માં ભવાનીના હિમાચલના ઘરે અવતરણને ટાંકીને મોરારીબાપુએ કહ્યું કે દીકરીનો જન્મ એ બાપના ઘરનો રૂડો અવસર હોય છે. માં ભવાની પાર્વતીના બે પરિચય છે એક શ્રદ્ધા અને બીજી નિષ્ઠા.બાપુ દ્વારા ઉચ્ચારાયેલાં આ શબ્દો આજે એટલાં માટે મહત્વનાં બની રહ્યાં કે જોગાનુંજોગ આજનો દિવસ એ "ડોટર ડે" હતો.બાપુએ માતાજી ભગવતીના નવરાત્રીના નવ અનુષ્ઠાનો અને સદગુણોનું વર્ણન કરીને તેનું મહત્વ દરેકના જીવનમાં શું છે તે પ્રસ્થાપિત કર્યું. આ નવ અનુષ્ઠાનોમાં પ્રતિષ્ઠા, ભીતરી નિષ્ઠા ઉપાસના, આરાધના, સાધના, વ્રત, સેવા, શણગાર અને સંકલ્પનો સમાવેશ થાય છે. શારદિય નવરાત્રીમાં આ અનુષ્ઠાન દરેકના જીવનમાં ખૂબ મહત્વનું છે અને સૌએ યતકિંચિત તેનું પાલન કરવું જોઈએ.જ્યાંથી અને જેટલું થઈ શકે તે જો આપણે સ્વીકારી શકીએ તો ખરા અર્થમાં માતાજીનું અનુષ્ઠાન કર્યું કહેવાય.
માનસની રચનાના સંદર્ભમાં બાપુએ કહ્યું કે આ કથા શિવજીએ શિવાને સંભળાવી છે એટલે કે મહાદેવ એ અનાદિકવિ છે, અને તેની રચના એ રામચરિત માનસ છે. અખિલ બ્રહ્માંડના રચયિતા દ્વારા સર્જાયેલી આ કૃતિ એ તેઓએ પોતાના હૃદયમાં "નિજ માનસ રાખા" એમ કહીને રાખી હતી.જગતનિયંતાએ જગતમાતા સામે પોતાનું હૃદય ખોલ્યું અને હૃદયથી એ ઇતિહાસ બની ગયો.
આજની કથામાં મોરારીબાપુએ મહત્વના ચિંતનો દ્વારા સૌને જીવનની અનમોલ ઉપાસનાની ભેટ કરી અને તેઓએ કહ્યું કે માતાજીના નામે થતી વિવિધ તંત્રની ક્રિયાઓ હવે અટકવી જોઈએ.ભરોસો વેચાતો નથી પણ વહેંચાય છે. કથામાંથી પરત થતી વખતે દરેક જગ્યાએ ભરોસાના બેનરો લગાવેલાં છે. તેની બાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી.અન્ન બાબતમાં કહેતાં તેઓએ કહ્યું કે ભૂખ એ રોગ છે અને અન્ન એ ઔષધ છે.તેથી અન્નનો બગાડ બ્રહ્મનો બગાડ છે. જીવનની બધી જ પ્રવૃત્તિઓમાં વ્યક્તિએ પોતે અસ્ત ન થાય ત્યાં સુધી અટકાવવી ન જોઈએ. માટે આપણે અસ્ત ન થઈએ ત્યાં સુધી વ્યસ્ત રહેવું જોઈએ.
આજની કથામાં જલારામ મંદિરના મહંત શ્રી રઘુરામબાપા તથા ગુજરાત સરકારના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય શ્રી આર. સી. મકવાણા તથા રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આવતીકાલે કથા દરમિયાન શિવવિવાહનો પ્રસંગ ઉજવાશે. તેની ભવ્યતા અને દિવ્યતાનો સૌ કથાપ્રેમીઓ લાભ લેશે.