સૌજન્યશ્રી મંદાકિનીબહેન શુક્લ તથા શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડનાં સૌજન્ય થી ૪૫૦ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થાના પ્રાંગણમાં યોજાયો હતો.
આ પ્રસંગે માનવ સેવા એ જ પ્રભુ સેવાનાં ઉદ્દેશ્યથી પ્રભુમય કાર્યને પ્રોત્સાહન કરતાં દાતાશ્રી મંદાકિનીબહેન શુકલ તથા ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડનાં અધ્યક્ષશ્રી જીતુભાઈ ઉપાધ્યાય તેમજ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના વિશેષ સહયોગથી વર્ષ-૧૯૬૮ થી શિશુવિહાર પ્રાંગણમાં યોજાતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ભાવનગરના લોક સેવકશ્રી ગુણવંતભાઈ વડોદરિયાના સુપુત્ર અને છેલ્લાં ૩૦ વર્ષથી દર્દી દેવો ભવઃની ભાવના સાર્થક કરતાં શ્રી સુનિલભાઈ વડોદરિયાએ ઉપસ્થિત રહીને દાતાશ્રીઓનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે ૧૩૬ દર્દીઓની આંખની તપાસ ડૉ. શ્રુતિબહેનની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જે તમામને શિશુવિહાર પરિસરમાં ડૉ. મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ ૨૫ દર્દીઓને મોતીયાની સર્જરી માટે તેમજ દર્દીઓના ૨૫ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યાં હતાં.
દર્દી દેવો ભવઃની ભાવનાથી છેલ્લા ૪૫૦ માસથી ચાલતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ અનેક જરૂરિયાતમંદ લોકોને આંખની સારવાર મળી છે. શિશુવિહાર સંસ્થાના કાર્યકરોએ પણ આ માનવ સેવામાં હાથોહાથ સેવા આપી હતી.