ખેડા જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં વાઈટલ ઈન્સ્ટોલેશન સ્થળો, કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ, તેમજ મોટા ધાર્મિક સ્થળો આવેલ છે. દેશ અને રાજયની હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી અમુક કટ્ટરવાદી ઈસમો ધ્વારા ડ્રોનનો ઉપયોગ કરી અગત્યના સ્થળોને પોતાનું ટાર્ગેટ બનાવી ભાંગફોડીયા પ્રવૃત્તિ કરતા હોવાનું જણાઈ આવેલ છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણીમાં સરળતા રહે તે માટે આવા ડ્રોનના ઉપયોગ ઉપર મહદઅંશે નિયંત્રણ રાખવું જરૂરી છે. જે મુજબનું ડ્રોનના ઉપયોગ ઉપર નિયંત્રણ અંગેનું જાહેરનામું કાયમી ધોરણે પ્રસિધ્ધ કરેલ છે.
શ્રી બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા જિલ્લો, નડિયાદ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ અન્વયે તેઓને મળેલ સત્તાની રૂઈએ નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
ખેડા જિલ્લાના સમગ્ર હદ વિસ્તારમાં UAV (Unarmed Aerial Vehicle) કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરીયલ મિસાઈલ, હેલીકોપ્ટર, રીમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ એરક્રાફટ કે પેરાગ્લાઈડર ચલાવનાર સંચાલકે કે જેઓ પોતાના અંગત વ્યવસાય માટે રાખતા હોય છે તેઓએ આ UAV(Unarmed Aerial Vehicle) ની સંપૂર્ણ માહીતી જેવી કે મોડલ નંબર, વજન, ક્ષમતાની વિગતો સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે. તેમજ હેલીપેડના ત્રણ કિલોમીટરના પરીઘમાં તેમજ વાઈટલ ઈન્સ્ટોલેશનના બે કીલોમીટરના પરીઘમાં ''નો UAV (Unarmed Aerial Vehicle) ફલાય ઝોન' જાહેર કરેલ છે તથા નેનો ડ્રોન એટલે કે, ૨૫૦ ગ્રામ અથવા ૨૫૦ ગ્રામ કરતાં ઓછા વજનના ડ્રોન સિવાયના UAV (Unarmed Aerial Vehicle) નો ઉપયોગ કરતાં પહેલાં ૨૪ કલાક અગાઉ જે વિસ્તારમાં ઉપયોગ કરવાનો છે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના થાણા ઈન્ચાર્જશ્રીને જાણ કરવાની રહેશે. તેમજ જો ડ્રોન કે અન્ય UAV (Unarmed Aerial Vehicle) સંસાધન કોઈને ભાડે આપવામાં આવે તેની જાણ ભાડે આપતા અગાઉ બે કલાક પહેલાં નજીકના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જશ્રીને કરવાની રહેશે. આ હુકમ તા.૧૯/૦૯/૨૦૨૨ થી તા.૧૯/૧૧/૨૦૨૨ (બંન્ને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે.
જેમા અપવાદ તરીકે સુરક્ષા એજન્સીના રીમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ એરક્રાફટને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.