આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ગુંજશે હર હર મહાદેવનો નાદ
- શિવાલયોમાં મહાઆરતી,પુજન અર્ચન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે
- શિવાલયોમાં દેવાધિદેવને મનોહર શણગાર કરાશે, ઠેર ઠેર શિવભકતોનું ઘોડાપુર ઉમટશે
અમરેલી : દેવાધિદેવ મહાદેવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસના આવતીકાલે તા.૧ ઓગસ્ટના પ્રથમ સોમવારે અમરેલી સહિત તમામ નામી અનામી પ્રાચીન અને અર્વાચીન શિવાલયો વહેલી સવારથી જ હર હર મહાદેવના કર્ણપ્રિય નાદથી ગુંજી ઉઠશે. શિવભકતો મહાદેવની પૂજા અર્ચના,જળાભિષેક, દુગ્ધાભિષેક માટે ઉમટી પડશે.
ભોળાનાથ અને શ્રીકૃષ્ણની આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણમાસના આજે પ્રથમ સોમવારને અનુલક્ષીને તમામ શિવાલયોમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવેલ છે.કોરોનાની મહામારીના બે વર્ષના વિરામ બાદ કોરોના હળવો થતા આ વર્ષે શિવભકતોમાં પણ અનન્ય ધર્મોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે અને સાતમ આઠમ સહિતના તમામ પર્વોની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ભકિતભાવ સાથે ઉજવણી કરાશે. સોમવારે સવારથી જ શિવાલયોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક બીલીપત્ર ચડાવવા માટે બહોળી સંખ્યામાં શિવભકતો ઉમટી પડશે. આ સાથે શિવાલયોમાં ચારેય પ્રહરની મહાઆરતી, દીપમાળા,દરરોજ વિવિધ પ્રકારના શણગારની મનોહર આંગી, મહાપૂજન, અર્ચન, ધ્વજારોહણ,હોમાત્મક લઘુરૂદ્ર, રૂદ્રાભિષેક, રૂદ્રીપાઠ, મહામૃત્યુંજયના પાઠ, અનુષ્ઠાન,શિવધૂન, ભજન કિર્તન, સંતવાણી અને લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે. એટલુ જ નહિ, તમામ નામી અનામી શિવાલયો સહિતના ધર્મસ્થાનકો, જગ્યાઓ, અન્નક્ષેત્રો પણ ભોજન, ભજન અને ભકિતકાર્યોથી વધુ ધમધમશે. તેમજ દાન,ધર્મ,પુણ્યકાર્યો તેમજ જીવદયા પ્રવૃતિઓમાં પણ વેગ આવશે.
વિપુલ મકવાણા અમરેલી