પશ્ચિમ કચ્છના નખત્રાણામાં તસ્કરોએ હવે ફરતી મૂડીના માલ સામાન ચોરવાનું શરૂ કર્યું છે. ગઈકાલે અહીંની ઓસીપી માર્કેટ પાસે પાર્ક કરેલી કારના ચાર ટાયર ડિસ્ક સાથે નીકાળી તસ્કરો ચોરી ગયા હતા. કિંમતી કારના બહુમૂલ્ય ટાયરોની ચોરી થતા વાહનધારકે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી છે.

નાની-મોટી સામગ્રીની સતત ચોરી

છેલ્લા થોડા સમયથી ધોરીમાર્ગ પરના નખત્રાણામાં પાર્ક કરેલા વાહનોમાં રહેલી નાની-મોટી સામગ્રીની ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યાં અનુસાર ચોરીના બનાવોને ધ્યાને લઇ લોકોએ પોતાના વાહનો સલામત સ્થળે પાર્ક કરવા જોઈએ. તો આ પ્રકારની ચોરીની ઘટનાઓ પર રોક આવી શકે.

પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ

​​​​​​​નખત્રાણા નગરના ઓસીપી માર્કેટ ખાતે હાજપીર નજીક આવેલી ખાનગી કંપનીના કર્મચારીએ પોતાની ક્રેટા કાર પાર્ક કરી હતી. દરમિયાન સવારે કાર લેવા પરત આવતા કારમાં લાગેલા ચારેય ટાયરની ચોરી થઈ ગયાનું જોવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ માટે પ્રયાસો કરાયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, પોલીસ દફતરે હજુ સુધી આ વિશેની કોઈ નોંધ થઈ શકી નથી. અલબત્ત અમુક લેભાગુ તત્વો તેની આડમાં બાઈક ઉઠાંતરી સહિતની ચોરીને અંજામ આપી રહ્યા હોવાનું સુત્રો તરફથી જાણવા મળી રહ્યુ છે.