ગુજરાતમાં રાજ્ય સરકાર સમક્ષ વિવિધ સરકારી મંડળો પગાર સહિતના મુદ્દે માગ કરી રહ્યા છે. તેમાં આશા વર્કર મહિલાઓ દ્વારા આજે ભૂજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યા બાદ કલેકટર કચેરી નજીકમાં આવેલી સાંસદ કચેરીએ ઘસી જઈ ઘેરાવ કર્યો હતો અને પોતાની માંગણીઓ પ્રત્યે ધ્યાન દોરવા સુત્રોચાર પોકાર્યા હતા. જોકે સાંસદ હાજર ન મળતા મંડળની બહેનોએ બેઠક કરી જ્યાં સુધી માગ સ્વીકારવામાં ના આવે ત્યાં સુધી ફરજ પરથી દૂર રહેવા નક્કી કરાયું હતું.

કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું

કચ્છ આશા વર્કર અને ફેસેલિયેટર યુનિયન દ્વારા આજે ભુજ કલેકટર કચેરી ખાતે જિલ્લામાંથી ઉપસ્થિત રહેલી બહેનોની હાજરીમાં ફિક્સ લઘુતમ પગાર લાગુ કરવા અને પડતર માંગણીઓ મંજુર થવાની માગ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ મંડળીની બહેનો સંકુલ પાછળ આવેલી સાંસદ વિનોદ ચાવડાની કચેરીએ ઘસી ગઇ હતી અને રજુઆત કરવાની વાત કરી હતી. જોકે સાંસદ કચેરીમાં હાજર ના મળતા મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ પાસેજ બેઠક કરી સરકાર માગ ના સંતોષે ત્યાં સુધી ફરજ પરની કામગીરીથી દૂર રહેવા નક્કી કરાયું હતું. જિલ્લામાંથી 500 જેટલી આશા વર્કર બહેનોએ ઉપસ્થિત રહી હોવાનું મંડળના અધ્યક્ષા નયના મહેશ્વરીએ કહ્યું હતું.