ઢોર નિયંત્રણ કાયદાનું બિલ મૂકવામાં આવતા રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના માલધારી સમાજમાં વિરોધનો વંટોળ ઊઠ્યો હતો. અને આથી જ બુધવારના દિવસે તમામ માલધારી સમાજે પોતાની હોટલો બંધ રાખવા સાથે ગામડાના પશુપાલકોએ ડેરીમાં દૂધ ભરવાનું ટાળ્યું હતું. અને આથી જ જિલ્લાની સૌથી મોટી સૂરસાગર ડેરીમાં દૂધની આવકમાં 80 ટકા જેટલો એટલે કે 5.20 લાખ લીટર દૂધની આવક ઘટી હતી.રાજય સરકારે વિધાનસભામાં ઢોર નિયંત્રણ કાયદો બનાવવા માટે કડક નિયમો સાથેનું બીલ મૂક્યું હતું. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના માલધારી સમાજમાં પણ વિરોધ ઊઠયો હતો. અને આથી જ આને કાળો કાયદો ગણાવીને બુધવારના દિવસે સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ માલધારીઓએ પોતાની હોટેલો બંધ રાખીને ડેરીમાં દૂધ નહીં ભરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને જિલ્લામાં જોરદાર સમર્થન મળ્યું હતું.સવારથી જ સુરેન્દ્રનગર, વઢવાણ શહેરની સાથે તમામ તાલુકા મથકો અને ગામડાઓમાં પણ માલધારી સમાજની હોટલો બંધ રહી હતી. જેમાં ખાસ કરીને હળવદમાં માલધારી સમાજે હોટેલો બંધ રાખીને રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. જ્યારે લખતરમાં ગાયોને દૂધ પીવડાવીને આ કાયદા સામે નારજગી બતાવી હતી.સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સૂરસાગર ડેરીમાં ગામડે ગામડે કુલ 724 મંડળી આવેલી છે. જેમાં 1.25 લાખ પશુપાલક જોડાયેલા છે. આ પશુપાલકો દરરોજ 6.50 લાખ લીટર દૂધ ડેરીમાં ભરીને દરરોજ 2.50 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યા છે. જાહેર કરેલી હડતાળને પગલે સૌથી અસર વધુ દૂધની આવકમાં થઇ હતી. બુધવારનાં દિવસે સૂરસાગર ડેરીમાં દૂધની આવકમાં અંદાજે 5.20 લાખ લીટરનો ઘટાડો નોંધાયો હતો. અનેક ગામડાઓમાં તો દૂધમંડળીની ઓફિસો પણ ખોલવામાં આવી ન હતી.સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા એક દિવસીય દૂધ બંધનુ એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધા માલધારી સમાજ દ્વારા પણ તે બંધને અને માલધારીના ધર્મ ગુરુના આહવાનને ટેકો જાહેર કરી સંપૂર્ણપણે દૂધ બંધ કર્યું હતું. ધ્રાંગધ્રા માલધારી સમાજ દ્વારા મચ્છુ માતાજીના મંદિરે દૂધ સાથે ભેગા મળી હોસ્પિટલ, વિદ્યાર્થીઓ અને જરૂરીયાત વર્ગના લોકોને નિઃશુલ્ક દૂધ આપવામાં આવ્યું હતું. આ સાથે ધ્રાંગધ્રા માલધારી સમાજ દ્વારા પણ રખડતા ઢોરોનો કાયદો પાછો ખેંચવા સરકારને રજૂઆત સાથે માગ કરી હતી.દૂધ નહીં ભરવાની જાહેરાત થતાની સાથે લોકોએ રાત્રિના સમયે જ દૂધની થેલીનો સ્ટોક કરી નાખ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારમાં તો મોડી રાત સુધી લોકોએ દૂધ લેવા માટે રાહ જોઇ હતી.