ગૌ શાળા અને પાંજરાપોળ સંચાલકોના આહવાન બાદ રાધનપુર સજ્જડ બંધ....

રૂપિયા ૫૦૦ કરોડની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં નહી આવતા ગૌ ભક્તોમાં રોષ...

                 રાજ્ય સરકાર દ્વારા બજેટ દરમિયાન ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રિત અબોલ પશુઓ ના નિભાવ માટે રૂપિયા ૫૦૦ કરોડની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત કર્યાના આઠેક માસ બાદ પણ સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાયની રકમ ચૂકવવામાં નહીં આવતા ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો તથા સંત સમાજ દ્વારા ગૌમાતા અધિકાર સંમેલન ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યું હતું. સંમેલન બાદ પણ સરકાર દ્વારા વાત સાંભળવામાં નહીં આવતા રાજ્યમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને પગલે રાધનપુર શહેર સજ્જડ બંધ રહેવા પામ્યું હતું. વહેલી સવારથી જ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ગૌ માતાના અધિકારની વાતને વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. જ્યારે ૧૧.૩૦ કલાકે સુરભી ગૌશાળા તથા પાંજરાપોળ ના સંચાલકો તેમજ ગૌ પ્રેમી લોકો દ્વારા સુત્રોચાર સાથે રેલી કાઢી રાધનપુર નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગૌ પોષણ યોજના નો તા.૨૨મી સપ્ટેમ્બર સુધીમાં અમલ કરવામાં નહીં આવે તો તમામ ગૌશાળા તેમજ પાંજરાપોળમાં આશ્રિત ગૌવંશોને છોડી મૂકવામાં આવશે થોડી મુકાયેલા ગૌવંશોને નિભાવવાની જવાબદારી સરકારશ્રીની રહેશે તેવું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું.