વડોદરાના વાઘોડિયા GIDCમાં મંડપ કંપનીમાં ભયાનક આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી, આ અંગે ફાયર બ્રિગેડે આગ ને માંડ કાબુમાં લીધી હતી.

વિગતો મુજબ વાઘોડિયા GIDCમાં લાલાભાઈ ગૌર અને નીલેષભાઈ ગૌરની માલિકીના પ્લોટ નં.728/29માં રાજસ્થાની રાધે ક્રિષ્ણ મંડપ કંપનીમાં ઓચિંતાની આગ લાગવાનો બનાવ બન્યો હતો.

સદનશીબે કંપનીમાં કામ કરતા કામદારોની શિફ્ટ છુટ્યા બાદ આગ લાગતાં કામદારો નહિ હોવાથી મોટી જાનહાની ટળી હતી. 

રાત્રીના લગભગ પોણા અગિયાર વાગે મંડપ ડેકોરેશન માટે ફાઈબર અને પ્લાસ્ટિકના સામાનમાં મંડપ ડેકોરેશનના સામાન સહિત કાપડ અને ગાદલા ભરેલ ગોડાઊનમાં આગ લાગતાં સમગ્ર GIDCમાં દોડધામ મચી ગઇ હતી.

વાઘોડિયા પોલીસને આ ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગની ઘટનાના પગલે ફાયર વિભાગને જાણ કરતા આગને કાબૂમાં લેવા ગેલ ઈન્ડીયા, એપોલો અને વડોદરા ફાયર ફાઈટરોને બોલાવાની ફરજ પડી હતી.

વાઘોડિયા વીજ વિભાગે સુરક્ષાના ભાગ રૂપે વીજપુરવઠો બંધ કર્યો હતો. આખરે અઢી કલાકની ભારે જહેમત બાદ 6 ઉપરાંત અગ્નિશામક દળોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ભીષણ આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે.

આગમાં તમામ સમાન બળીને રાખ થઈ ગયો હતો.