માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચવાની માંગણી સાથે ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજકોટ સહિત રાજ્યભરમાં માલધારી સમાજ દૂધ વેચશે નહીં. તેમજ માલધારી-ભરવાડ સમાજની દૂધની ડેરીઓ તેમજ ચાના થડા બંધ રાખવા માલધારી સમાજ દ્વારા આહવાન કરવામાં આવેલ છે.

માલધારી સમાજના આ આંદોલનના પગલે આજે દૂધનો પુરવઠો ખોરવાતા દેકારો સર્જાવાની ભીતિ છે. રાજકોટમાં નાના-મોટા 1200 જેટલા ચા ના ધંધાર્થીઓ  છે. એસોસિએશન સાથે સંકળાયેલ વેપારીઓએ આજે બંધ પાડ્યું છે. સરકાર અમારી માલધારીઓની માંગણી નહિ સંતોષે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. ખાલી ચાના વેપારીઓને નુકસાન નથી અમારી સાથે સંકળાયેલા નાના-મોટા માણસોની રોજી રોટી પણ અટકી રહી છે. માટે સરકારને વિનંતી છે કે જલ્દીથી અમારી માંગણી સંતોષી હકારાત્મક વલણ અપનાવે. રાજકોટ ડેરીના MD વિનોદ વ્યાસે જણાવ્યું હતું કે, આજે દૂધની કોઈ અછત સર્જાશે નહિ. સંકલન અને સપ્લાયની પુરી વ્યવસ્થા ડેરી દ્વારા કરી દેવામાં આવી છે. રાજકોટ ડેરીમાં 750 ચાલુ દૂધ મંડળી છે. જેના દ્વારા રોજ 3 થી 3.50 લાખ લીટર દૂધ આપવામાં આવે છે. જેનું વેચાણ ડેરી દ્વારા કરવામાં આવે છે.