કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય વેઈટલિફ્ટરોએ દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતે આ ગેમમાં અત્યાર સુધીમાં 3 ગોલ્ડ મેડલની સાથે કુલ 6 મેડલ જીત્યા છે. અને આ બધા મેડલ વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં જ મળ્યા છે. CWG 2022માં ત્રીજા દિવસે અચિંતા શેઉલીએ ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દિવસનો બીજો અને ઈવેન્ટનો ત્રીજો ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. પશ્ચિમ બંગાળના આ ઉભરતા 20 વર્ષીય વેઈટલિફ્ટર શિયુલીએ તેની પહેલી જ કોમનવેલ્થ ગેમ્સમાં 313 કિલો વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો છે.
20 વર્ષીય અચિંતા શિયુલીએ પુરુષોની 73 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં ભાગ લીધો હતો જ્યાં તેણે સ્નેચ રાઉન્ડમાં 143 કિગ્રા અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં 170 કિગ્રા વજન ઉપાડ્યું હતું. આ રીતે કુલ 313 કિલો વજન ઉઠાવીને તેણે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ત્રીજા દિવસે (રવિવારે) ભારત માટે આ બીજો મેડલ હતો કારણ કે તેની પહેલા વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ 67kg વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ લિસ્ટમાં ભારત હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને કેનેડા ભારત કરતા આગળ છે. બીજી તરફ ભારત માટે અત્યાર સુધીના મેડલ વિજેતાઓની વાત કરીએ તો, અચિંતા શેઉલી અને જેરેમી લાલરિનુંગા પહેલા ભારતે શનિવારે વેટલિફ્ટિંગમાં ચાર મેડલ જીત્યા હતા. મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે સંકેત સરદાર અને વિંદ્યારાની દેવીએ સિલ્વર અને ગુરુરાજા પૂજારીએ બ્રોન્ઝ જીત્યો હતો.