સુરત:કવાસ ખાતે NTPC ના ગ્રીન હાઈડ્રોજન-નેચરલ ગેસ બ્લેન્ડીંગ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે વર્ચ્યુઅલી ભૂમિપૂજન

હાઇડ્રોજનના ઉપયોગ દ્વારા ૧ મેગાવોટ ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ હેઠળ કવાસ ટાઉનશીપના ૨૦૦ ઘરોમાં ગેસ પુરવઠો મળશે

વીજ મહોત્સવ એ છેલ્લાં ૮ વર્ષમાં એનર્જી સેક્ટરમાં થયેલા પરિવર્તનના સાક્ષી બનવાનો અવસર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

ગ્રીન હાઈડ્રોજનના બ્લેન્ડિંગ પ્રોજેક્ટ થકી વિદેશથી થતી ગેસની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે: ઉર્જા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ

સુરતઃશનિવારઃ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કેન્દ્રીય ઉર્જા મંત્રાલય, મિનીસ્ટ્રી ઓફ રિન્યુએબલ એનર્જી તથા દ.ગુજરાત વીજ કંપની લિ.ના સંયુકત ઉપક્રમે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય:પાવર@૨૦૪૭’ વીજ મહોત્સવ ચોર્યાસી તાલુકાના કવાસ-એનટીપીસી ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુંઅલી જોડાયા હતા. વડાપ્રધાનશ્રીએ વિવિધ ગ્રીન એનર્જી પ્રોજેક્ટસનું ભૂમિપૂજન તેમજ નેશનલ સોલાર રૂફટોપ પોર્ટલનું પણ ઈ-લોન્ચિંગ કર્યું હતું. 

            આ વેળાએ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને ગુજરાત ગેસ કંપનીના સંયુક્ત પ્રયાસથી કવાસ ખાતે NTPCના ગ્રીન હાઈડ્રોજન-નેચરલ ગેસ બ્લેન્ડીંગ પ્રોજેક્ટનું ઉર્જા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે પ્રત્યક્ષ ભુમિપૂજન કરાયું હતું. આ પ્રોજેક્ટમાં હાઇડ્રોજનના ઉપયોગ દ્વારા ૧ મેગાવોટ ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત ગેસને કવાસ ટાઉનશીપના ૨૦૦ ઘરોમાં ગેસ પુરવઠો પૂરો પાડવામાં આવશે.

              વડાપ્રધાનશ્રીના હસ્તે NTPCની રૂ. ૫૨૦૦ કરોડથી વધુના વિવિધ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ-ભૂમિપૂજન કરાયું હતું. જેમાં તેલંગાણામાં ૧૦૦ મેગાવોટના રામાગુંડમ ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ અને કેરળમાં ૯૨ મેગાવોટ કયામકુલમ ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું. સાથે રાજસ્થાનમાં ૭૩૫ મેગાવોટ નોખ સોલાર પ્રોજેક્ટ, લેહ લદ્દાખમાં દેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટ અને ગુજરાતમાં નેચરલ ગેસ સાથે કવાસ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટનો ઈ-ભૂમિપૂજન કર્યું હતું.

             દેશના જુદા જુદા ૧૦૦ જિલ્લાઓમાં યોજાયેલા ગ્રીન એનર્જી અંગેના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીએ ઉર્જા ક્ષેત્રની વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, રિન્યુએબલ સોલાર એનર્જીને કારણે દેશનો ખેડૂત અન્નદાતાની સાથે સાથ ઉર્જા દાતા પણ બની રહ્યો છે. આઝાદીના અમૃત કાળમાં ભારતે આવનાર ૨૫ વર્ષ માટે પાવર સેક્ટરના વિઝન પર કામ કરવાનું શરૂ કર્યું છે. દેશભરમાં આયોજિત આ વીજ મહોત્સવ છેલ્લાં ૮ વર્ષમાં એનર્જી સેક્ટરમાં થયેલા પરિવર્તનના સાક્ષી બનવાનો અવસર છે એમ તેમણે કહ્યું હતું. 

            ઉર્જા, કૃષિ અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, ઘરેલુ ગેસના ઉત્પાદનમાં ગ્રીન હાઈડ્રોજનના બ્લેન્ડિંગ પ્રોજેક્ટ થકી વિદેશથી થતી ગેસની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે. ગ્રીન એનર્જી ક્ષત્રે દેશનો આ પહેલો પ્રોજેકટ છે. અને તેના પહેલા ચરણમાં ૨૦૦ પરિવારોના ઘરમાં ગેસ આપવામાં આવશે. વિશ્વમાં ભારતની ઉર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન છે. કવાસ ખાતે સ્થાપિત થનાર ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટથી કુદરતી ગેસના વપરાશ ઘટાડવામાં મદદ મળશે. 

                  આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, સુરત જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ. ગઢવી, ક્ષેત્રિય કાર્યકારી નિદેશક મુનિશ જોહરી, મહાપ્રબંધક કવાસ પી. રામપ્રસાદ, એનટીપીસીના કર્મચારીઓ સહિત હજીરા સ્થિત વિવિધ ઔદ્યોગિક કંપનીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.