ભુજ, મંગળવાર:

ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન જખૌ દ્વારા પિંગલેશ્વર બીચ અને અન્ય દરિયાઈ વિસ્તારમાં કોસ્ટલ ક્લીનઅપ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ સ્ટેશન જખૌ બંદર અને શાળાના બાળકો એમ આશરે કુલ ૩૧૫ કર્મચારીઓ/વિદ્યાર્થીઓએ મળીને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. 

અબડાસા મતવિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રીપ્રદ્યુમનસિંહ જાડેજા, ડેપ્યુટી કલેક્ટર અને અબડાસા પ્રાંત શ્રી એચ.એમ.સોલંકી તથા સ્ટેશન કમાન્ડર ICGS જખૌ કમાન્ડન્ટ સંદીપ સફાયા ટીમ દ્વારા બીચ સાઇટ પર હાજર રહેલ સ્વયંસેવકોને ઇવેન્ટ દરમિયાન પ્રોત્સાહિત કરાયા હતા. સફાઈ અભિયાનનો ઉદ્દેશ્ય આપણા દરિયાકિનારાને સ્વચ્છ રાખવા, પર્યાવરણની રક્ષા કરવા અને દરિયાકિનારાનું સન્માન કરવાની લોકોમાં ટેવ કેળવવાનો હતો કે જેના લીધે જૈવ વિવિધતાથી ભરેલું પ્રાકૃતિક જીવન શક્ય છે.