પોલીયો રસીકરણ અભિયાનમાં નર્મદા જિલ્લામાં એક જ દિવસમાં ૯૫ ટકા રસીકરણની સિદ્ધિ હાંસલ કરતું જિલ્લા આરોગ્ય તંત્ર

જિલ્લામાં ૦ થી ૫ વર્ષના ૪૮,૦૦૭ બાળકોના લક્ષ્યાંક સામે અંદાજે ૪૫,૪૩૮ બાળકોનું કરાયું પોલીયો રસીકરણ

નર્મદા જિલ્લામાં રવિવારે બુથ પર કરાયેલી પોલીયો રસીકરણની કામગીરીમાં લોકોએ પણ તેમના ૦ થી ૫ વર્ષના બાળકોને વહેલી સવારથી જ નજીકના બુથ પર લઇ જઇને પોલીયોના ટીપા પીવડાવી પોતાની ફરજ અદા કરી હતી. નર્મદા જિલ્લામાં જુદા-જુદા સ્થળોએ આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા નાના ભુલકાંઓને રસી પીવડાવી સરકારના પોલીયો મુક્ત ભારત અભિયાનમાં સહભાગી બન્યા હતા. આ અભિયાનમાં સરકારશ્રીની કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનને ધ્યાનમાં લઈને પોલીયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ રસીકરણ અભિયાનમાં તા.૧૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ કુલ ૪૮,૦૦૭ બાળકોના રસીકરણના લક્ષ્યાંક સામે અંદાજે કુલ ૪૫,૪૩૮ બાળકોને એટલે કે ૯૫ ટકા પોલીયો રસીકરણ એક જ દિવસમાં કરવામાં આવ્યું હતું