ચંદીગઢ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં વીડિયો બનાવવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસમાં વધુ એક યુવકની એન્ટ્રી થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ યુવક યુવતીને બ્લેકમેલ કરતો હતો. યુવક મોહિત યુનિવર્સિટીના મેસમાં જ નોકરી કરે છે. તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ કેસમાં અત્યાર સુધીમાં વિદ્યાર્થિની સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પંજાબ પોલીસે રચેલી SITએ મોહિતને કસ્ટડીમાં લીધો છે. આ યુવક વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરતો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર યુવક પાસેથી 33 વીડિયો મળ્યા છે. જો કે પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી. ADGP ગુરપ્રીત દિયો આ કેસમાં રચાયેલી SITનું નેતૃત્વ કરી રહ્યા છે.

બીજી તરફ જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલામાં વિદ્યાર્થિનીઓને મોબાઈલ નંબર પર અલગ-અલગ નંબર પરથી ધમકીભર્યા મેસેજ પણ મળી રહ્યા છે. મેસેજ મોકલનાર યુવતીએ ચેટમાં લખ્યું, 'એને જેલમાંથી કઢાવો મારી મિત્રને બે દિવસમાં, નહીં તો રાહ જુઓ. તમારો વીડિયો પણ છે મારી પાસે." આના પર વિદ્યાર્થિનીએ કહ્યું કે કયો વીડિયો વાયરલ કરવાની વાત કરી રહી છે.

વિદ્યાર્થિનીએ જવાબમાં કહ્યું કે તે પોલીસમાં આની ફરિયાદ કરશે અને તેણે પણ તેની મિત્ર સાથે જેલમાં રહેવું પડશે. તો યુવતીએ તેની ચેટ ડિલીટ કરી દીધી, પરંતુ વિદ્યાર્થિનીએ તે ચેટનો સ્ક્રીનશોટ લઈ લીધો. આવા મેસેજ અન્ય વિદ્યાર્થિનીઓને પણ આવી રહ્યા છે.

ગુજરાત, મુંબઈ સાથે જોડાયા છે તાર 

આરોપીને પોલીસ રિમાન્ડ પર લેતા પોલીસે જણાવ્યું હતું કે વીડિયો કેસમાં મોબાઈલ ફોન પર બહારના રાજ્ય ગુજરાત અને મુંબઈથી પણ ફોન આવ્યા છે. તેમની સાથે તેમનું શું કનેક્શન છે તેની પૂછપરછ કરવાની છે. કોર્ટમાં એવી દલીલ પણ કરવામાં આવી છે કે આ કેસમાં ચોથો વ્યક્તિ પણ છે, જે યુવતીને બ્લેકમેલ કરી રહ્યો હતો, તેની ધરપકડ કરવાની બાકી છે. આજે ચંદીગઢ યુનિવર્સિટીના જ મેસમાં કામ કરતા યુવક મોહિતની ધરપકડ કરવામાં આવી હોવાની ચર્ચા છે.