વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ ખાતે આવેલી જે.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ રૂપિયા 2500 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા
આ પ્રિન્સિપાલને મહિલા પ્રાધ્યાપક પાસે 7માં પગાર પંચનું બીજા એરીયર્સનું સ્ટીકર આપવા માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે.
પાદરા તાલુકાના મુવાલ ખાતે આવેલી જે.વી. આર્ટસ એન્ડ એમ.સી. પટેલ કોમર્સ કોલેજમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના જીંજાવદર ગામના વતની અને હાલમાં એ-57, લાભ બંગલોઝ, બાંકો કંપની પાછળ, બીલ રોડ, વડોદરા, ખાતે રહેતા ભીખાલાલ વાલજીભાઇ મોરડીયા આચાર્ય તરીકે નોકરી કરે છે. આજ કોલેજમાં એક મહિલા પ્રાધ્યાપક પણ નોકરી કરે છે, દરમ્યાન કોલેજમાં 7માં પગાર પંચના બીજા એરીયર્સનો લાભ આપવાની કાર્યવાહી ચાલી રહી હોય મહિલા પ્રાધ્યાપકને પણ બીજા એરીયર્સનો લાભ લેવાનો બાકી હતો. જેથી તેઓએ કોલેજના નિયમો મુજબ પોતાને લાભ આપવા માટે પ્રોસીજર શરૂ કરતા કોલેજના પ્રિન્સિપાલ ભીખાલાલ મોરડીયાએ મહિલા પ્રાધ્યાપકને પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા અને જણાવ્યું હતું કે, જો તમારે 7માં પગાર પંચના બીજા એરીયર્સનો લાભ જોયતો હોય તો રૂપિયા 2500 વ્યવહારના આપવા પડશે તોજ તમારું કામ થશે નહીં તો તમારું કામ થશે નહીં.
જોકે, મહિલા પ્રાધ્યાપકે જે-તે સમયે રૂપિયા 2500 આપવા માટે તૈયારી બતાવી દીધી હતી. પરંતુ, વાસ્તવમાં તેઓ લાંચ પેટે રૂપિયા 2500 આપવા માંગતા ન હતા. દરમિયાન તેઓએ વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખામાં પ્રિન્સિપાલ ભીખાલાલ મોરડીયા વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. જેના આધારે મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. એ.એન. પ્રજાપતિએ સ્ટાફની મદદ લઇને છટકું ગોઠવ્યું હતું. જેમાં પ્રિન્સીપાલ ભીખાલાલ મોરડીયા મહિલા પ્રાધ્યાપક પાસેથી રૂપિયા 2500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.