પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના કન્વીનર અલ્પેશ કથીરિયાને રિક્ષાવાળાએ માર મારતાં તેઓને હાથના ભાગે ઈજાઓ થઈ હતી
આજે સવારે અલ્પેશ કથીરિયા હોસ્પિટલ ખાતે તેમની નજીકની વ્યક્તિની ખબર કાઢવા માટે જઈ રહ્યા હતા તે વખતે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતી વખતે એક રિક્ષાચાલકને રિક્ષા સરખી ચલાવવાનું કહેતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે લાકડાના ફટકાના ત્રણ ઘા માર્યા હતા. ત્યાર બાદ ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળું રિક્ષાચાલકને પકડવા દોડ્યું, પણ તે ભાગી ગયો હતો.
સવારના સમયે કાપોદ્રા પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે અલ્પેશ કથીરિયા હોસ્પિટલ તરફ બાઈક ઉપર જવા નીકળ્યા હતા. તે વખતે આગળ એક બેફામ રીતે રિક્ષા ચાલવતા રિક્ષાચાલકને અલ્પેશ કથેરિયાએ રોકીને કહ્યું કે આવી રીતે કેમ રિક્ષા ચલાવે છે. સરખી રીતે ચલાવ.
ત્યારે રિક્ષાચાલકે કહ્યું કે ઊભો રહે, એમ કહીને રિક્ષામાંથી લાકડાનો ફટકો કાઢી તેને ત્રણ ઘા માર્યા હતા પરિણામે અલ્પેશ કથીરિયાને હાથમાં ઈજા થઈ હતી.
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર કાપોદ્રા વિસ્તારમાં જ હુમલો થતાં ટ્રાફિકજામ થઈ ગયો હતો અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.