વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેનની ભેટ આપશે, આ સમયે નવરાત્રી હશે.
તા. 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થલતેજથી વસ્ત્રાલ ગામના કોરિડોર પર મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવશે.
મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે. જેમાં 17 સ્ટેશનો છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે. જેમાં 15 સ્ટેશન આવે છે.
મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે
21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરીયા પૂર્વમાં બહાર નીકળશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. સામન્ય રીતે જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જાવ તો દિલ્લી દરવાજા, કાલુપુર, સારંગપુર અને કાંકરિયા ઝુ તરફ જતા ઓછામાં ઓછા 30 મિનિટ થાય,પણ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે આમ સમય બચશે અને નજીવા ભાડામાં નિર્ધારિત સ્થળે પહોંચી જવાશે.