અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટના ફેઝ-1માં પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ PM નરેન્દ્ર મોદી દ્વારા તા. 30મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. 

હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવવામાં આવશે. 

ત્યાર બાદ થલતેજમાં આવેલા દૂરદર્શન પાસેના ગ્રાઉન્ડમાં જાહેર સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે એવી પણ શક્યતા જણાઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ જેની રાહ જોતા હતા એવી મેટ્રો ટ્રેનની ભેટ નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી પહેલાં મેટ્રો ટ્રેનની શરૂઆત થાય તેની શક્યતાઓ જણાતી હતી એની વચ્ચે 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થલતેજ થી વસ્ત્રાલ ગામના કોરિડોર પર મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવશે. મેટ્રો ટ્રેનના શુભારંભને લઈ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.