લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરાથી રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાભાઈ સુરતની મુલાકાતે આવ્યા છે. બે દિવસની મુલાકાતમાં સુરતના વરાછામાં લોકડાયરામાં મુલાકાત લીધા બાદ બીજા દિવસે પર્વત પાટિયામાં આવેલી એક મોબાઈલ શોપમાં કમાભાઈએ હાજરી આપી હતી. આ વખતે કમાભાઈને ખુલ્લી કારમાં લાવવામાં આવ્યા હતા. જેથી કમાભાઈ સાથે સેલ્ફી લેવા તથા હાથ મિલાવવા માટે લોકોએ પડાપડી કરી મૂકી હતી.

સુરતમાં કમાભાઈ રાત્રે એક લોકડાયરામાં હાજર રહ્યા હતા. એ વખતે પણ લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકોએ રીતસરનો ધસારો કર્યો હતો. કમાભાઈને બંને સ્થળે રુફટોપ ખૂલે તેવી કારમાં રોયલ સ્ટાઇલમાં એન્ટ્રી કરાવવામાં આવી હતી. ત્યારે લોકોએ ચિચિયારી કરી મૂકી હતી.

કમાભાઇને પોતાને ત્યાં આમંત્રિત કરનારા અંકુરએ જણાવ્યું હતું કે, કમાભાઈ માનસિક દિવ્યાંગ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આજે માનસિક દિવ્યાંગો પ્રત્યે સમાજમાં ખરાબ વર્તન કરવામાં આવતું હોય છે. ત્યારે કીર્તિદાનભાઈ ગઢવીએ કમાભાઈને સેલિબ્રિટી તો બનાવ્યા છે. પરંતુ તેને સમાજમાં અગ્રસ્થાન અપાવ્યું છે. ત્યારે અમે કમાભાઇને અમારે ત્યાં બોલાવીને સ્વાગત સન્માન કરવાની સાથે માનસિક દિવ્યાંગ લોકો પ્રત્યે સમાજમાં સારી ભાવના ઊભી થાય તે હેતુથી અમે આ કાર્યક્રમ યોજ્યો હતો અને લોકોએ કમાભાઇને સેલિબ્રિટી તરીકે સન્માન આપ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના કોઠારિયા ગામમાં થોડા દિવસ પહેલાં વજા ભગતના આશ્રમમાં ગૌશાળાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન થયું હતું. દરમિયાન એક દિવસ રાત્રે કીર્તિદાન ગઢવીનો ડાયરો પણ હતો. જેમાં તેમણે કથાકાર જિગ્નેશદાદાનું પ્રખ્યાત ભજન 'ઘરે જાવું ગમતું નથી' ગાયું હતું. આ સાંભળીને ડાયરામાં હાજર કમો ઉર્ફે કમલેશભાઈ મોજમાં આવી ગયા હતા અને આસપાસની દુનિયાને ભૂલીને પોતાની જ મસ્તીમાં નાચવા લાગ્યા હતા. દરમિયાન કીર્તિદાન ગઢવીનું તેની તરફ ધ્યાન ગયું હતું. તેમણે તેને બોલાવીને નામ પૂછ્યું હતું. બાદમાં તે દિવ્યાંગ હોવાની જાણ કીર્તિદાનને થઈ હતી. કમાથી ખુશ થઈને કીર્તિદાને તેને 2 હજાર રૂપિયા આપ્યા હતા. કમાનો કીર્તિદાન સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં તેની લોકપ્રિયતા વધવા લાગી હતી.