વઢવાણ ઝોન વિસ્તારના લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે સમ્પોની સાફસફાઈનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ પાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના 20થી વધુ સમ્પની સાફસફાઇ કરવામાં આવનાર હોવાનું બહાર આવ્યું હતું.સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારોના લોકોને દર ત્રીજા દિવસે પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વઢવાણ ઝોનમાં અંદાજે 9 એમએલડી તેમજ સુરેન્દ્રનગર ઝોનમાં અંદાજે 14 એમએલડી પાણી ફાળવામાં આવે છે. આ પાણીનું વિતરણ 5, 10, 20 અને 40 લાખ લીટરની કેપીસીટી ધરાવતા અંદાજે 20 જેટલા સમ્પમાંથી પાલિકા દ્વારા કરાઇ રહ્યું છે. તો બીજી તરફ નળવાટે હજુ પણ લોકોને અશુદ્ધ પાણી મળતું હોવાની રાવ ઊઠી રહી છે.ત્યારે સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય અને ચીફ ઓફિસર સાગરભાઈ રાડિયાની સૂચનાથી શહેરીજનોને શુદ્ધ પાણી મળે તે માટે સિવિલ એન્જિનિયર કે.જી. હેરમા, વઢવાણ ઝોનના એન્જિનિયર કુલદીપભાઈ પરમાર સહિતની ટીમોએ શહેરમાં આવેલા 20 જેટલા પાણીના સમ્પ તેમજ ટાંકીઓની સાફસફાઇની કામગીરી અમદાવાદની એક એજન્સી દ્વારા તા. 16 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી.ત્યારે રવિવારે પણ વઢવાણ ધોળીપોળે આવેલા 10 લાખ લીટરના પાણીના 2 સમ્પની સફાઇ કરાઇ હતી. જેમાં પોટેશિયમ પરમેગેનેટ દવા તેમજ અલ્ટ્રાવાયોલેટ રેડિયશન દ્વારા સમ્પોનું શુદ્ધિકરણ હાથ ધરવામાં આવ્યું હતું. આમ તમામ સમ્પોની સાફસફાઇ પૂર્ણ થતા આગામી દિવસોમાં શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહેશે.