જય અંબે માતાજીનું નામ બન્યો કોડવર્ડ અને કંપનીનું નામ

38 જેટલાં ગંભીર ગુનાનો આરોપી લીકર કિંગ વિજુ સિંધી દુબઈ શા માટે ભાગ્યો?

ભૂતકાળના લીકર કિંગ મુકેશ હરજાણીની હત્યામાં પણ વિજુ સિંધીનું નામ ખુલ્યું હતું!

કંપનીનું નામ જય અંબે, કોણ કોણ છે ભાગીદાર જાણો

વિનોદ ઉર્ફે વિજુ મુરલીધર (સિંધી) ઉધવાણી સામે 38 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

તાજેતર માંજ વિજુ સિંધી સામે રેડ કોર્નર નોટીસ જારી કરી ઇન્ટરપોલને સુપરત કરવામાં આવી છે.

વિજુ એક મહિના પહેલા જ દુબાઇ ભાગી ગયો હોવાની જાણકારી મળી રહીં છે

અમદાવાદ:૧૮’૦૯’૨૦૨૨
ગુજરાતમાં દારૂબંધી છે તે કહેવુ સારૂ લાગે છે, પરંતુ વાસ્તવિક્તા કેટલીક હદે વિપરીત છે. દારુ બંધી માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના સ્ટેટ મોનિટરીંગ સેલના વડા તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક થતાં લીકર કીંગ કહેવાતા વિનોદ ઉર્ફે વિજુ મુરલીધર (સિંધી) ઉધવાણી સહિત અને બુટલેગરો ઉપર તવઇ આવી ગઇ છે. આ બુટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવનાર કેટલાક પોલીસ કર્મીઓમાં પણ ફફળાટ હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. તેવામાં વિજુ સિંધી સામે તાજેતરમાંજ રેડ કોર્નર નોટિસ જારી કરવા પાછળનુ કારણ જાણવા જેવુ છે.

આમ તો ગુજરાતનો આ પ્રથમ કિસ્સો માનવામાં આવી રહ્યો છે કે, કોઇ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હોય તેવુ અગાઉ બન્યું નથી. વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતો અને એક સમયના લીકર કીંગ કહેવાતા મુકેશ હરજાણીનો અંગત મનાતો વિનોદ ઉર્ફે વિજુ સિંધી આજે ગુજરાતનો લીકર કીંગ બની બેઠો છે. મુકેશ હરજાણીની હત્યામાં પણ વિજુ સિંધીનુ નામ સામે આવ્યું હતુ. જોકે મુકેશ હરજાણી મર્ડર કેસમાં સંડોવાયેલા તમામને પુરાવાના અભાવે નિર્દોષ છોડી દેવાયા હતા.

મુકેશ હરજાણી બાદ ગુજરાતામાં દારૂનો ગેરકાયદે સામ્રાજ્ય વિનોદ ઉર્ફે વિજુ સિંધીએ સંભાળી લીધો છે. ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી સરહદો પર વિજુ સિંધીએ દારૂના ઠેકા ખરીદી લીધા હોવાનુ જાણવા મળી રહ્યું છે. અને આજ ઠેકાઓ પરથી તે ટ્રક ભરીને દારૂનો જથ્થો ગુજરાતમાં ઠાલવી રહ્યો છે. આમ અનેક વખત પોલીસે વિજુનો લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વિજુ સામે 38 જેટલા ગંભીર ગુનાઓ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલા છે. તાજેતરમાંજ અમદાવાદમાંથી રૂ. 20 લાખની કિંમતનો દારુ સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો વિજુ સિંધીનો હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યું હતુ, તથા આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવવામાં આવ્યો હતો.

દારૂની હેરાફેરી કરવા માટે વિજુ સિંધી આણી ટોળકીએ એક કોડવર્ડનો ઉપયોગ શરૂ કર્યો છે. આમ તો બોલવામાં તે ભગવાનનુ નામ છે (જય અંબે) આ શબ્દ આપણે પણ અનેક વખત દિવસ દરમિયાન બોલતા હોઇએ છે. જેથી સામાન્ય વ્યક્તિને પણ આ શબ્દ સાંભળી આશ્ચર્ય ન થાય તે માટે આ કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વિજુ સિંધીની જેમ જ નાગદાન ગઢવી પણ ખુબ ચર્ચિત નામ છે. થોડા સમય પહેલા જ નાગદાનની ગુડગાવથી સ્ટેટ મોનિટરીંગ સેલે ધરપકડ કરી હતી. નાગદાનની ઘરપકડ થયા બાદ અંદાજીત એક મહિના અગાઉ વિજુ સિંધી દુબઇ ભાગી ગયો હોવાનુ જાણવા મળી રહ્યું છે. અને હવે તે દુબઇમાં બેઠો બેઠો ગુજરાતમાં દારૂનો ગેરકાયદે ધંધો ચલાવી રહ્યો હોવાનુ પણ સૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થઇ રહીં છે. એવુ પણ કહેવાય છે કે, નાગદાનની પોલીસ પુછપરછમાં તેણી વિજુનો આખો કાળો ચિઠ્ઠો ખોલી કાઢ્યો અને તેની ગંધ વિજુને આવી જતા તે દુબઇ ભાગી ગયો છે.

સૂત્રો દ્વારા એવી પણ જાણકારી મળી રહીં છે કે, ગુજરાતમાં દારૂનો ધંધો ચલાવવા માટે વિજુ સિંધી આણી મંડળીએ એક કંપની બનાવી અને આ કંપનીનુ નામ જય અંબે રાખી તેમાં વિજુ સિંધી, સુનિલ ઉર્ફે અદો, લક્ષ્‍મણ રબારી (રાજસ્થાન), ગણપત (રાજસ્થાન) અને હાપાભાઇ ભાગીદાર છે.

મહત્વનુ છે કે, અત્યાર સુધી વિજુ સિંધી બેફામ બની અન્ય રાજ્યોમાંથી દારૂનો જથ્થો લાવી ગુજરાતમાં દારૂનુ સામ્રાજ્ય ચલાવી રહ્યો હતો. પરંતુ IPS નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરીંગ સેલમાં બદલી થતા જ તેના જેવા અનેક ટાઢા પડી ગયા હોવાનુ માનવામાં આવી રહ્યું છે. વાસ્તવિક પરિસ્થિતિ ઉપર નજર કરીયે તો વિજુ સિંધીના દુબઇ ભાગી જવાથી ગુજરાતમાં દારુ વેચાતો બંધ થયો હોય તેવુ કહેવુ હાલ યોગ્ય નથી.