દાહોદ જિલ્લામાં જૂની પેન્શન સ્કીમની માગણી નહીં સંતોષાતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો શનિવારે માસ સીએલ ઉપર ઉતરી ગયા હતાં . આ શિક્ષકોની માસ સીએલને કારણે દાહોદ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક મળીને 3547 શાળામાં શિક્ષણ કાર્ય ખોરવાયું હતું . સવારના સમયે ધોરણ 1 થી 5 ના છાત્રો શાળાએ તો ગયા હતા . પરંતુ શિક્ષકોના અભાવે શિક્ષણ કાર્ય થઇ શક્યું ન હતું . તેવી જ રીતે બપોરના સમયે ધોરણ 6 થી 8 ના બાળકોનું પણ શિક્ષણ કાર્ય ખોરવાયુ હતું . જિલ્લાની કેટલીક શાળામાં ગયેલા બાળકોને મધ્યાહન ભોજન ખવડાવીને ઘરે રવાના કરી દેવામાં આવ્યા હતાં . જ્યારે કેટલીક શાળામાં માત્ર પ્રવાસી શિક્ષકો જ આવ્યા હોવાથી તેમણે એક સાથે બેસાડીને બાળકોને ભમાવ્યા હતાં . કેટલીક શાળામાં માત્ર હાજરી પુરીને બાળકોને ઘરે રવાના કરી દેવામાં આવ્યા હતાં . આમ શિક્ષકો માસ સીએલ ઉપર ઉતરી જતાં જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાઇ ગયું હતું. દાહોદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 10745 અને માધ્યમિક શાળાઓમાં 1900 શિક્ષકો ફરજ બજાવે છે . ઓપીએસની માગણી સંદર્ભે પ્રાથમિક શાળાના 9162 શિક્ષકો શનિવારે માસ સીએલ ઉપર ઉતરી ગયા હતાં . જ્યારે માધ્યમિક શિક્ષકો પણ રજા ઉપર રહ્યા હતા . પરંતુ તેમનો આંકડો જાણવા મળ્યો નથી . આ મામલે પ્રાથમિક શિક્ષણાધિકારી મયૂર પારેખે જણાવ્યુ હતું કે , શનિવારે સીએલ ઉપર ઉતરેલા 9162 શિક્ષકો સામે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી માટે તમામ ટીપીઓને કારણદર્શક નોટિસ આપવાની સૂચના આપવામાં આવી છે .