ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જિલ્લાના અલગ અલગ સ્વસહાયજૂથોને રુ.૩૪ લાખની સહાય ચેકનું વિતરણ

મહિલાઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પના આયોજન ઉપરાંત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડનું વિતરણ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા માટે સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે : સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી આર.સી.મકવાણા

અમરેલી તા.૧૭ સપ્ટેમ્બર,૨૦૨૨ (શનિવાર) સમગ્ર ગુજરાતમાં 'વિશ્વાસથી વિકાસ' યાત્રા અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. મિશન મંગલમ યોજનાએ મહિલાઓની આંતરિક શક્તિઓને ઉજાગર કરવાની સાથે તેમની આર્થિક ક્ષમતાઓમાં પણ ઉમેરો કરવાનું સપનું સાકાર કર્યુ છે. આ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોની રચના થાય છે અને રાજ્ય સરકારની સહાયથી જૂથની આર્થિક ક્ષમતાઓ વિકસી રહી છે. અમરેલી જિલ્લા કક્ષાનો સ્વસહાય જૂથોને ચેક વિતરણનો કાર્યક્રમ લીલીયા રોડ પર આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો. જિલ્લા કક્ષાના સ્વસહાય જૂથોને ચેક વિતરણના કાર્યક્રમમાં ગ્રામીણ અને શહેરી સ્વસહાયજૂથોને કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ (ગ્રામીણ વિસ્તાર), કેશ ક્રેડિટ લોન (શહેરી), રિવોલ્વિંગ ફંડ (શહેરી અને ગ્રામ્ય) અંતર્ગત રૂ. ૩૪ લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા મહિલાઓ માટે મેડિકલ હેલ્થ ચેક અપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અન્વયે આયુષ્યમાન ભારત જનઆરોગ્ય કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ. સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર.સી.મકવાણાએ કાર્યક્રમમાં સંબોધન કરતાં જણાવ્યુ કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓની સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે વિવિધ મહિલાલક્ષી યોજનાઓને અમલી બનાવી છે. આ યોજનાઓ થકી આજે મહિલાઓ પગભર બનીને આર્થિક ક્ષેત્રે આગળ વધી રહી છે. રાજ્ય સરકારે મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ૫૦ ટકા પ્રતિનિધિત્વ આપવા માટે પણ સફળ પ્રયત્નો કર્યા છે.

              આજરોજ ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ગ્રામીણ અને શહેરી મહિલાઓના સ્વસહાય જૂથોને ચેક વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા. કેન્દ્ર અને રાજ્ય સરકારના સફળ પ્રયત્નો થકી મહિલાઓના સશક્તિકરણ માટે જાગૃત્તિ વધી રહી છે. મહિલાઓ સામાજિક સાથે આર્થિક જવાબદારી પણ સુપેરે નિભાવી રહી છે અને સમગ્રતયા તે નેતૃત્વ પણ કરી રહી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય થકી ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મહિલાઓના સ્વસહાય જૂથો વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ કરી આર્થિક ઉન્નતિ કરી રહ્યા છે. 

              સ્વસહાયજૂથોને જિલ્લા કક્ષાના ચેક વિતરણ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, અમરેલી અને બાબરાના નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જયેશ પટેલ સહિતના પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓ, મહાનુભાવો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.