પાવીજેતપુર તાલુકાના મોટીબેજ ગામે ઘમુન ફળિયાના સીમ વિસ્તારમાં લાંબા સમયથી રસ્તા નું નવીનીકરણ ન થવાથી જનતા ત્રાહિમાં પોકારી રહી છે.

        પાવીજેતપુર તાલુકાના મોટીબેજ ગામે ઘમૂન ફળિયું સીમ વિસ્તારમાં આવેલું છે. જ્યાં છૂટી છવાઈ વસ્તી આવેલી હોય, મોટીબેજ ગામમાં ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી વસ્તી હોય, મોટાભાગના લોકોના ખેતરો સીમ વિસ્તારમાં આવેલા છે. તેથી સ્વાભાવિક રીતે જ અવારનવાર મોટીબેજ ના કિસાનો ને સીમ વિસ્તારમાં ખેતી કામ અર્થે જવું પડે છે. ઘમુન પ્રાથમિક શાળાથી કારગિલ ટેકરી સુધીના રસ્તા ઉપર પથ્થર પીચિંગ થયેલું છે પરંતુ હજુ સુધી ડામર, કોંક્રિટ કે આરસીસી કરવામાં આવ્યું નથી. અંદાજે દોઢ કિલોમીટર જેટલા રસ્તા નું કામ બાકી હોવાથી ચોમાસામાં મોટીબેજવાસીઓને પારાવાર હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. બાળકોને આંગણવાડી, શાળા કે કોલેજ જવાનું ઘણું મુશ્કેલ થઈ ગયું છે અને તેમાં પણ બીમાર લોકોને દવાખાને જવાનું માથાના દુખાવા સમાન બની જાય છે. 

        મોટીબેજ ગામે સીમ વિસ્તારનો આ ખખડધજ થઈ ગયેલો રસ્તો ચાર છાંટા પડતા જ કાદવ કિચડ થઈ જતા રસ્તો બંધ થઈ જાય છે. મોટીબેજ ગામના મોટાભાગના રહીશો આ રસ્તા નો ખેતર જવા આવવા માટે ઉપયોગ કરે છે તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. વર્તમાન સરકાર ઠેક ઠેકાણે રોડ રસ્તા બનાવતી હોય તો પછી મોટીબેજ ના રહીશો માટે અન્યાય કેમ ? આવા વેધક સવાલો સાથે મોટીબેજવાસીઓ સ્થાનિક ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય, " રોડ નહીં તો વોટ નહીં " કહી આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરી દોઢ કિલોમીટર જેટલો ખખડધજ થઈ ગયેલો રસ્તો બનાવી આપે તેવી મોટીબેજના રહીશોની બુલંદ માંગ ઉઠી છે.