ભારતમાં ચિત્તાઓનું અસ્તિત્વ ખતમ થઈ ગયા બાદ 75 વર્ષ પછી જ્યારે ચિત્તા લાવવામાં આવ્યા છે ત્યારે આ વાત આજે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. 

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોતાના જન્મદિવસે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા છુટ્ટા મૂકયા તે દ્રશ્ય આખા દેશના લોકોએ જોયું.

હવે ચિત્તાની વાત આવે તો કહેવું પડે કે રાજાશાહી વખતે ભારતના રજવાડાંમાં રાજાઓ ચિત્તા પાળતા હતા. 

 દેશને આઝાદી મળી તે પહેલાં વડોદરા સ્ટેટ અને ભાવનગર સ્ટેટમાં સંખ્યાબંધ પાલતું ચિત્તાઓ હતા.

આ બંને રજવાડાંના મહારાજાઓને ચિત્તા પાળવાનો શોખ હતો.

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસે સ્ટેટમાં 200 જેટલા પાલતું ચિત્તાઓ હતા.

ગાયકવાડ રાજાઓએ 18મી સદીમાં સોનગઢમાં ચિત્તા પાળવાની શરૂઆત કરી, પછી ગ્વાલિયર અને ઇન્દોર સ્ટેટ તથા ભાવનગરના કૃષ્ણસિંહજીએ પણ પાલતું ચિત્તા પાળ્યા હતા. વડોદરાના મહારાજા ફતેસિંહ મ્યુઝિયમનાં ક્યુરેટર મંદાબહેન હિંગુરાવ કહે છે કે વડોદરામાં બગીખાનામાં (હાલની બરોડા હાઇસ્કૂલ) ઘોડાઓની સાથે ચિત્તાઓને રાખવાની વ્યવસ્થા હતી. એની સાથે તેના પાલકો પણ રખાતા હતા.

આ પાલતું ચિત્તાઓ સોમનાથ મંદિર, વડોદરાના બહુચરાજી મંદિર, અમરેલીના નાગનાથ મહાદેવ, નવસારીના બલ્લાળેશ્વર મંદિર, પાવાગઢ મંદિર તથા ડાકોર મંદિરમાં ચોર ચોરી ન કરી શકે તે માટે રક્ષણ કરતા હતા.

આ ચિત્તા પાસે હરણનો શિકાર પણ કરાવવામાં આવતો હોવાની વાત પણ છે.

વડોદરા શહેરમાં 1952 સુધી ચિત્તાઓને આંખે પટ્ટા અને શરીરે ચેઇન બાંધીને રસ્તાઓ પર તેના પાલકો લઇને નીકળતા હતા જે નજરે જોયાનું કેટલાક વયોવૃદ્ધ લોકોને યાદ છે.

ભારતમાં 1945 સુધી ચિત્તા દેખાતા હતા પરંતુ 1952માં ચિત્તા લુપ્ત થયાનું જાહેર કરાયું હતું. હવે 70 વર્ષ બાદ ફરી ભારતમાં ચિત્તા આવી રહ્યા છે, પરંતુ તે એશિયાટીક નથી. અત્રે એ પણ નોંધનીય છે કે, 1952 સુધી ભારતમાં ચિત્તા જોવા મળતા હતા પરંતુ ત્યારબાદ ચિત્તા ભારતમાં નામશેષ થઈ ગયા હતા.