કૌશલ્ય મેળવેલા યુવાને કદી પણ બેકાર બેસવાનો વારો આવતો નથી-ગુજરાત વિધાનસભા દંડક શ્રી રમેશભાઇ કટારા
દાહોદ, તા. ૧૭ : ઝાલોદ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દાહોદ ખાતે તાલીમાર્થીઓનો કૌશલ્ય દીક્ષાતં સમારોહ ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતીમાં યોજાયો હતો. દંડક શ્રી રમેશભાઈ કટારાએ વિધાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી ઘડતરની શુભેચ્છાઓ આપી હતી અને જણાવ્યું હતું કે, કૌશલ્ય મેળવેલા યુવાને કદી પણ બેકાર બેસવાનો વારો આવતો નથી.
શ્રી રમેશભાઇ કટારાએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર યુવાનો તાલીમબદ્ધ બને અને કૌશલ્ય મેળવે એ માટે વિવિધ યોજનાઓ તેમજ સંસ્થાઓ થકી સઘન કામગીરી કરી રહી છે. રોજગારી માટે કોઇને કોઇ કૌશલ્ય હાંસલ કરવું જરૂરી છે. સ્કીલ હોય તો યુવાન કદી બેકાર બેસવાનો સમય આવતો નથી. એક વખત સ્કીલ મેળવ્યા બાદ સતત તેને વિકસાવતા રહેવું પણ એટલું જ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, આજે પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ છે ત્યારે તેમણે યુવાનો તાલીમબદ્ધ થાય અને કૌશલ્ય કેળવે, આત્મનિર્ભર બને એ બાબત પર વિશેષ ભાર મૂકયો છે. દેશમાં કામ કરવા માટે ઘણી જગ્યાઓ ખાલી છે પરંતુ એ માટે યોગ્ય કૌશલ્ય કેળવેલા યુવાનોની અછત જોવા મળે છે. પોતાની આવડતને કેળવવાથી રોજગારનો માર્ગ સરળ બને છે અને વ્યક્તિ આત્મનિર્ભર બની અન્યોને પણ રોજગાર આપવા સક્ષમ બને છે.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ આ પ્રસંગે જણાવ્યું કે, પોતાના રસના ક્ષેત્રમાં આવડત અને મહારત કેળવી રોજગાર મેળવી શકાય છે. અત્યારના સમયે મહિલાઓ પણ વિવિધ ક્ષેત્રે કૌશલ્ય કેળવીને આગળ વધી રહી છે ત્યારે મહિલાઓએ પણ કારકિર્દી નિર્માણના વિવિધ ક્ષેત્રોમાં આગળ ધપવું રહ્યું.
તેમણે એમ પણ કહ્યું કે, યુવાનોએ કારકિર્દી ઘડતરની સાથે સ્વવિકાસ પણ હાથ ધરવો જોઇએ. યુવાનોએ આત્મવિશ્વાસ કેળવો જોઇએ અને પ્રત્યાયનની કલા હાંસલ કરવી જોઇએ. પોતાની યોગ્ય રજૂઆત કરતા આવડવું જોઇએ. તમારા કંઇ પણ કરવામાં તમારૂં વ્યક્તિત્વ જણાઇ આવે છે. દેખાદેખીમાં વ્યસનના રવાડે કે ખોટી સંગતમાં યુવાનો કારકિર્દી નિર્માણનો અમૂલ્ય સમય ન ગુમાવવો જોઇએ તેમ તેમણે ઉમેર્યું હતું.
આઇટીઆઇના આચાર્ય શ્રી કે.બી. કણઝરીયાએ યુવાનોને સારા માર્કસ સાથે ઊંચું પરિણામ લાવવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને કારકિર્દી ઘડતર માટે સનિષ્ઠ પ્રયાસો સતત કરતા રહેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે આચાર્ય શ્રી કાંચવાલા, રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણ સહિતના અધિકારીશ્રીઓ તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થી યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા.