ડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે શ્રવણ તીર્થયાત્રાની બસોને ભુજથી પ્રસ્થાન કરાવતા વિધાનસભાના અધ્યક્ષશ્રી નીમાબેન આચાર્ય
આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ શ્રી ડૉ.નીમાબેન આચાર્યે શ્રવણતીર્થ યાત્રા અન્વયે તીર્થસ્થાનના દર્શન કરવા જઈ રહેલા વરિષ્ઠ નાગરિકોની બસોને ભુજ આશાપુરા મંદિરથી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
વડાપ્રધાનશ્રીના જન્મદિવસે નિમિત્તે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યે આશાપુરા મંદિરે પૂજા અર્ચના કરીને શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીઘાર્યુ અને સ્વાસ્થ્યપ્રદ જીવન માટે કામના કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બને તેમજ ભારત અને ગુજરાતની પ્રગતિ નિરંતર જળવાઈ રહે તે માટે અધ્યક્ષાશ્રીએ પ્રાર્થના કરી હતી. ઉપસ્થિત સૌ વડીલોએ પણ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ આપીને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ દીઘાર્યુ માટે અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અધ્યક્ષાશ્રીએ ભુજ આશાપુરા મંદિર ખાતેથી ગુજરાત એસટીની ૫ બસને શ્રવણતીર્થ યાત્રા અંતર્ગત પ્રસ્થાન કરાવ્યું હતું. તીર્થસ્થાનના દર્શન માટે જઈ રહેલા વરિષ્ઠ નાગરિકોની બસમાં રુબરુ મુલાકાત લઈને અધ્યક્ષાશ્રીએ સુવિધાઓ અંગે પૃચ્છા કરી હતી. વરિષ્ઠ નાગરિકોમાં દર્શનાર્થે જવાનો ઉત્સાહ જોઈને વિધાનસભા અધ્યક્ષાશ્રીએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.તેઓએ યાત્રા દરમિયાન વરિષ્ઠ નાગરિકોને કોઈ જ મુશ્કેલી ના પડે તેનું ધ્યાન રાખવા સંબંધિતોને સૂચનાઓ આપી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. અધ્યક્ષાશ્રીએ યાત્રાળુઓ માટે તૈયાર કરાયેલા ફરાળી નાસ્તા વગેરેની સુવિધાઓ વિશે જાણકારી મેળવીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કન્ડક્ટર તેમજ ડ્રાઈવર ભાઈઓ સાથે અધ્યક્ષાશ્રીએ વાતચીત કરીને યાત્રા સુગમ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.
સિનિયર સિટીઝન માટેની આ શ્રવણતીર્થ યાત્રામાં ભુજથી ૨૫૦થી વધુ સિટીઝન માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ ગોંડલ, સોમનાથ, દ્વારિકા અને વિરપુર વગેરે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને દર્શન કરશે.
આ પ્રસંગે ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી રેશ્માબેન ઝવેરી, નગરસેવક ઘનશ્યામભાઈ સી.ઠક્કર, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, જથ્થાબંધ બજાર ચેરમેન શ્રી મેહુલભાઈ ઠક્કર સાથે અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.