વાંકાનેરના વરડુસર ગામે જમીન ઉપર દબાણ કરનાર મહિલા સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે વૃદ્ધની માલિકીની જમીન ઉપર અનઅધિકૃત રીતે કબજો કરીને વાવેતર કરીને ઉપજ નીપજ લેનારા મહિલા સહિત ત્રણ સામે હાલમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના દિવાનપરા વિસ્તારની અંદર રહેતા ભરતભાઈ કાનજીભાઈ સુરેલા (ઉંમર ૫૬) એ હાલમાં મગનભાઈ ખોડાભાઈ શેટાણીયા, રૂપાબેન મગનભાઈ શેટાણીયા અને મનસુખભાઈ મગનભાઈ શેટાણીયાની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના ગામના સર્વે નંબર ૨૫૧/૧ પૈકી ૨૫ હે. ૦-૮૦=૯૪ ની આશરે પાંચ વીઘા જમીન પચાવી પાડવાના આશયથી આરોપીઓ દ્વારા અનઅધિકૃત રીતે કબજો કરીને તેમાં વાવેતર કરીને પોતાના અંગત લાભ માટે થઈને ઉપજ નીપજ લઈને જમીનનો કબજો ચાલુ રાખેલ છે જેથી કરીને ભરતભાઈ સુરેલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત ત્રણની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.