જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલના અધ્યક્ષપદે ઇન્ટેસીફાઇડ પલ્સ પોલીયો ઇમ્યુનાઇઝેશનની સ્ટીયરીંગ સમિતિની બેઠક યોજાઇ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં તા. ૧૮ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકો માટે પલ્સ પોલીયો નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે યોજાનાર છે. જેને અનુલક્ષીને જિલ્લા આરોગ્ય અધિકારી ડો કે.પી.પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં નર્મદા જિલ્લામાં ૦ થી ૫ વર્ષના એક પણ બાળક પલ્સ પોલીયો રસીકરણથી વંચિત ન રહી જાય તે અંગે ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવા અંગે જરૂરી સૂચનો સાથે ઉપસ્થિત તમામ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલે સમીક્ષા દરમિયાન બાળકો પોલીયોથી મુક્ત રહે તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તા.૧૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ને રવિવારના રોજ ૦ થી ૫ વર્ષની વયના બાળકો માટે પલ્સ પોલીયોની રસીકરણ અભિયાનનો પ્રારંભ થનાર છે. જેમાં ૨૨૫ પોલીયો બુથ દ્વારા જિલ્લામાં અંદાજીત ૧.૨૫ લાખ ઘરો, ૫૬ હજાર જેટલા બાળકોને આ રસીકરણ હેઠળ આવરી લેવાશે. જેમાં ૨૪ ટ્રાન્ઝિટ પોઈન્ટ, ૪ મેળા/બજાર, ૬૯ જેટલી મોબાઇલ ટીમ, ૭૧ જેટલી ટીમ સુપરવાઇઝરો અને ૧,૫૨૪ જેટલા સભ્યોની ટીમ આ અભિયાનમાં જોડાશે તેવી માહિતી પુરી પાડી હતી. સાથોસાથ તા.૧૯ અને ૨૦ મી સપ્ટેમ્બરના રોજ ડોર-ટુ-ડોર અભિયાન હાથ ધરવામાં આવશે.
નર્મદા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેમજ ૧૦૦ ટકા કામગીરી થાય અને આ અંગે વાલીઓને પણ જાગૃત કરવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને ડૉ. કે. પી. પટેલે જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરીને જિલ્લામાં યોજાનારા પલ્સ પોલીયો અભિયાનની વિસ્તૃત જાણકારી પુરી પડાઇ હતી.