મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.૨૫ સપ્ટેમ્બર થી તા.૨૪ ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન નોંધણી કરાવવાની રહેશે*
*લાભપાંચમ તા.૨૯ ઓકટોબર-૨૦૨૨ થી ૯૦ દિવસ સુધી ખરીદી કરાશે*
¤ *ખેડૂતોના હિતોને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદીનું રાજ્ય સરકારનું સઘન આયોજન*
********
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ, તા.૨૯ ઓકટોબર-૨૦૨૨થી ૯૦ દિવસ સુધી કરવાનો રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે.
આ અંગે વધુ વિગતો આપતાં મંત્રીશ્રીએ કહ્યું કે, ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં પાકનું ટેકાના ભાવે ખરીદીનું રાજ્ય સરકારનું સઘન આયોજન છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે. ખેડૂતોએ તા.૨૫ સપ્ટેમ્બર થી તા.૨૪ ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE મારફતે કરવામાં આવશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, નોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS મોકલી અથવા ટેલીફોનીક જાણ કરાશે. જાણ કરાયેલા ખેડૂતોએ FAQ ગુણવત્તાવાળા પાકોના નિયત જથ્થા સાથે નિયત ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. સોમવાર થી શુક્રવાર દરમિયાન સંજોગોવસાત નિયત દિવસે હાજર ન રહી શક્યા હોય તેવા ખેડૂતોને શનિવારના દિવસે વેચાણ માટે તક આપવામાં આવશે.વેચાણ કરેલ જણસીનું ખેડૂતોને ચુકવણું સીધા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.૫,૮૫૦, મગનો રૂ. ૭,૭૫૫, અડદનો રૂ.૬,૬૦૦ અને સોયાબિનનો રૂ.૪,૩૦૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૧-૨૨માં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કુલ ૨,૬૫,૫૫૮ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જે પૈકી કુલ ૪૯,૮૯૯ ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ ૫૫૮.૫૩ કરોડ મૂલ્યના ૯૫,૨૩૦ મે.ટન મગફળીના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. ખરીફ વર્ષ ૨૦૨૧-૨૨માં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે કુલ ૧૮,૫૩૫ ખેડૂતોએ નોંધણી કરાવેલ હતી. જે પૈકી કુલ ૧૦,૨૮૮ ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ ૧૨૬.૦૩ કરોડ મૂલ્યના ૨૦,૦૦૪ મે.ટન તુવેરના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી જ્યારે રવિ સિઝન દરમિયાન વર્ષ ૨૦૨૧-૨૨માં ચણાની ખરીદી માટે કુલ ૩,૩૮,૭૭૭ ખેડૂતોએ નોંધણી કરાવી હતી જે પૈકી કુલ ૨,૮૩,૦૪૩ ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ ૨૯૨૧.૬૦ કરોડ મૂલ્યના ૫,૫૮,૬૨૩ મે.ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી