અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે ૩૬મી નેશનલ ગેમ્સ ગુજરાત રાજ્યમાં યોજવામાં આવશે. ૩૬મો ખેલ મહોત્સવ ગુજરાત રાજ્યના જુદાં-જુદાં ૬ જિલ્લાઓમાં યોજાવા જઈ રહ્યો છે. આ ખેલ મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્યના યુવાનોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃત્તિ આવે તે હેતુથી જિલ્લા અને તાલુકા કક્ષાએ રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શૃંખલાના ભાગરુપે અમરેલી જિલ્લામાં આગામી તા.૧૫ સપ્ટેમ્બરથી તા.૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારીશ્રી આર.સી. મકવાણાના અધ્યક્ષ સ્થાને આગામી તા.૧૫મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલી ખાતે યોજાશે. જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન માટે રમત ગમત કચેરીને અને શિક્ષણ કચેરી સહિતના સંબંધિત અધિકારીશ્રીઓને જરુરી સૂચનાઓ આપવામાં આવી છે.
આ દરમિયાન અમરેલી ગજેરા સંકુલમાં જિલ્લા કલેક્ટરથી, પોલીસ અધિકશ્રી, વિકાસ અધિકારીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાશે. જિલ્લામાં તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમ યોજાશે. તાલુકા કક્ષાના અન્ય કાર્યક્રમોમાં તા.૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ મહા વિદ્યાલય, મોટા ભંડારીયા ખાતે યોજાશે, જ્યારે સાવરકુંડલાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ એમ.કે. સાવલિયા આર્ટ્સ કોલેજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમરેલીના અધ્યક્ષ સ્થાને યોજાશે. બગસરા તાલુકાકક્ષાનો કાર્યક્રમ આગામી તા.૧૭ સપ્ટેમ્બરે પોલીસ અધિક્ષકશ્રી અમરેલીના અધ્યક્ષ સ્થાને યોજાશે. જ્યારે બાબરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ આગામી ૧૭મી સપ્ટેમ્બરે નિયામકશ્રી ડી.આર.ડી.એ અમરેલીના અધ્યક્ષ સ્થાને યોજાશે.
આ ઉપરાંત તા.૧૯ સપ્ટેમ્બરે અમરેલીની બી.એન.વિરાણી ગજેરા સંકુલ, તાલુકા પે સેન્ટર લાઠી, નાલંદા વિદ્યાલય ભોરીંગડા લીલીયા, સત્યમ સ્કૂલ કરીયાણા બાબરા, બાલક્રિષ્ન વિદ્યાલય રાજુલા ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે. જ્યારે તા.૨૦ સપ્ટેમ્બરે શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ બગસરા, સંસ્કાર નોલેજ વેલી સ્કૂલ જીરા, ધારી, આશ્રમ શાળા બાઢડા, સાવરકુંડલા, જે.એન. મહેતા હાઈસ્કૂલ ખાંભા, સરકારી માધ્યમિક શાળા કડીયાળી, જાફરાબાદ, શ્રી સુરગવાળા સાર્વજનિક સ્કૂલ વડીયા, કુંકાવાવ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાશે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.