સુરત ખાતે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયું

 ભારત સરકારના રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

              કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે હિન્દી દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, સૂરતની પાવન ભૂમિ પરથી દેશમાં સર્વપ્રથમ વીર નર્મદે ભાષાઓના મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે ગરવી ગુજરાતનું સ્વપ્ન આપીને અંગ્રેજોને દેશનો વ્યવહાર હિન્દીમાં ચલાવવાનો આગ્રહ કર્યો હતો. સુરત એ ઉત્સાહ અને મનોરથોને સિધ્ધ કરનારી ભૂમિ છે. તેમ તેમણે ઉમેર્યુ હતું. 

              બાળકોને સ્વ-ભાષા અને રાજભાષામાં શિક્ષણ આપવાની હિમાયત કરતા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના અવસરે સૌ કોઈ સાથે મળીને આગામી ૨૫ વર્ષમાં પોતાની સ્વ-ભાષાઓના માધ્યમથી દેશને સર્વોચ્ચ શીખરો સુધી લઈ જવાનો સંકલ્પ કરીએ. 

            આપણી સ્થાનિય અને રાજભાષાઓ વિશ્વની સૌથી સમૃધ્ધ ભાષાઓ છે. હિન્દી એ આમજનતાની રાજભાષા છે અને તેને આગળ વધારવાની છે. તેમ તેમણે જણાવ્યું હતું.

           તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ઘડવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષા અપાય તેવી નીતિ ધડવામાં આવી છે. મેડીકલ, વિજ્ઞાન, તકનીકી, ઈજનેરી અભ્યાસક્રમો પણ માતૃભાષાઓમાં થાય તે પ્રકારનું લક્ષ્ય નિર્ધારત કરવામાં આવ્યું છે. આ શિક્ષાનીતિથી આગામી સમયમાં ભાષાઓના ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

               આપણી સંસ્કૃતિ, ઈતિહાસ અને અનેક પેઢીઓના સાહિત્ય સર્જનને સમજવું હોય તો રાજભાષા જાણવી જરૂરી છે. ભારત દેશના યુવાનોમાં અસીમ ક્ષમતાઓ રહેલી છે. દેશના યુવાનોને પોતાની માતૃભાષા તથા રાજભાષાનો સ્વીકાર કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. 

              બાળકોના સુવર્ણભવિષ્ય માટે ઘરમાં વાતચીતની ભાષા તરીકે પોતાની માતૃભાષાને અપનાવવાનો અનુરોધ શ્રી અમિતભાઇ શાહે કર્યો હતો.

             ભારત દેશ અનેક ભાષાઓથી સમૃધ્ધ દેશ છે. ભાષાઓના માધ્યમથી લોકો એકબીજા સાથે સરળતાથી જોડાય છે. હિન્દી ભાષા એ બધી ભારતીય ભાષાઓની સખી છે સ્પર્ધક નહી તેમ જણાવતા ગૃહ મંત્રીશ્રીએ કહ્યું કે, હિન્દીભાષાની સમૃધ્ધિથી તમામ ભાષાઓ સમૃધ્ધ બનશે. હિન્દીને લોકભોગ્ય બનાવવી જરૂરી છે. દરેક ભાષાને જીવંત અને સમૃધ્ધ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવા તેમણે અપિલ કરી હતી. 

            કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ પોતાનો સ્વ-અનુભવ વર્ણવતા કહ્યું કે, મારો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં થયો હોવાથી હું સરળતાથી હિન્દી બોલી શકું છું. તેમણે વધુમાં કહ્યું કે, આઝાદીના લડવૈયાઓએ આઝાદી માટે પોતાની માતૃભાષા અને હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો હતો. હિન્દીએ હંમેશા સમાવેશીભાષા રહી છે. સ્વભાષા સાથે રાજભાષાનું પણ મહત્વ સ્વીકારવા તેમણે અપિલ કરી હતી. 

       આ પ્રસંગે ’भारत के भाल की बिंदी है हिन्दी‘ એમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વિવિધ ભાષાઓ ધરાવતા દેશમાં હિન્દી દિવસની ઉજવણી એ એકતાના પ્રતિક સમાન છે. તેમણે કહ્યું કે, વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં હિન્દી ત્રીજા ક્રમાંકનું સ્થાન ધરાવે છે. 

            મુખ્યમંત્રીશ્રીએ હિન્દી દિવસની ઉજવણી માટે ગુજરાતને યોગ્ય સ્થળ ગણાવતાં ઉમેર્યુ હતું કે ગુજરાતમાં ૧૯મી સદીમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના પ્રચારઅર્થે સત્યાર્થપ્રકાશ પુસ્તકની રચના હિન્દીમાં કરી હતી. ગુજરાતી અને હિન્દીએ એકબીજા સાથે જોડાયેલી ભાષાઓ છે. ગુજરાતી સાહિત્ય પણ હિન્દી સાથે જોડાયેલું છે. શબ્દો અને લિપીમાં પણ સમાનતા જોવા મળતી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

                 મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે હિન્દી અને ગુજરાતી સંસ્કૃત ભાષા કૂળમાંથી આવેલી ભાષા છે. આપણી સૌની માતૃભાષા ભલે અલગ હોય પણ રાજભાષા તો એકજ છે. આ ભાવના જ વડાપ્રધાનશ્રીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસના મંત્રને અનેકતામાં એકતાથી સાકાર કરે છે એમ તેમણે ઉમેર્યુ હતું. 

        આ સંમેલન પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજયકુમાર મિશ્રાએ રાજભાષાનું મહત્વ સમજાવીને રાજભાષાએ જ્ઞાન, સંસ્કૃતિ અને પરંપરાનું સંવર્ધન કરનારી ભાષા હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે, વિશ્વમાં ૨૫થી વધારે દેશોમાં હિન્દી ન્યુઝપેપર, બુલેટીન અને પત્રિકાઓનું વાંચન થાય છે જે વૈશ્વિક ફલક પર ભારતીય ભાષાની સ્વીકૃતિનો આદર્શ પુરાવો છે. ‘રાજભાષા’ના ‘સૂવર્ણયુગ’થી હિન્દી ભાષા માટે દેશમાં જોવા મળેલા સકારાત્મક બદલાવની વિગતો તેમણે આપી હતી. આવનારો સમય હિન્દી ભાષાનો હોવાનું જણાવી આ દિશામાં સતત કાર્યરત રહેવાની સરકારની કટિબદ્ધતા તેમણે વ્યકત કરી હતી.    

        આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીના હસ્તે ‘હિન્દી શબ્દ સિંધુ’ (સંસ્કરણ-૧) શબ્દકોશ તથા વિશ્વ સ્તરીય અનુવાદન ટુલ ‘કંથસ્થ.૨.૦’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જયારે ઈસરો દ્વારા પ્રકાશિત પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

        આ અવસરે મંત્રીશ્રીઓના હસ્તે રાજભાષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય પ્રદાન માટે રાજભાષાકિર્તિ અને ગૌરવ પુરસ્કારો એનાયત કરાયા હતા.

              આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભારત સરકારના રેલ્વે, આયુષ મંત્રાલય, સરકારી બેંકોના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી

        આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ રાજય મંત્રીશ્રી રાજકુમાર રંજન, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિશિથ પ્રામાણિક, કેન્દ્રિય રેલ્વે રાજયમંત્રીશ્રીમતિ દર્શનાબેન જરદોશ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી મંત્રીશ્રી હર્ષ સંઘવી, રાજયના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વાહનવ્યવહાર મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદી, કૃષિ અને ઉર્જામંત્રી રાજય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી વિનોદભાઈ મોરડિયા, રાજભાષાના સચિવશ્રી અસુલી આર્યા, સંસદીય રાજભાષા સમિતિના ઉપાધ્યક્ષ ભર્તુહરિ મહતાબ, ધારાસભ્યશ્રીઓ, કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ, બેંકના પ્રતિનિધિશ્રીઓ સહિત દેશભરના હિન્દી વિદ્વાનો ઉપસ્થિત રહેશે.