લમ્પી ગ્રસ્ત ગૌવંશની સેવાર્થે સંગીત સમારોહ યોજાયો.ઉદય કારાવદરા ટ્રસ્ટ અને સહયોગી સંસ્થાઓ દ્વારા થયું આયોજન. 

પોરબંદરની લમ્પી વાઇરસથી પીડાઈ રહેલી ગૌવંશની સારવાર માટે ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ વિજયભાઈ વડુકરની જગ્યામાં આઇસોલેશન સેન્ટર શરૂ કરી ગૌ માતાની સારવાર અને નિભાવ કરવામાં આવી રહ્યો છે.  હાલમાં આ આઇસોલેશન સેન્ટરમાં ૨૦૦ થી વધુ ગૌ માતા અને ગૌવંશ સારવાર હેઠળ છે આ ઉપરાંત લમ્પી વાયરસની સારવાર બાદ પણ આ ગૌમાતાની રોગપ્રતિકારક શક્તિ માટે સારો ખોરાક અને ચારો આપવામાં આવે છે એના નિભાવ ખર્ચમાં મદદ મળી રહે તેવા શુભ હેતુ સાથે પોરબંદરની 15 જેટલી સામાજિક સંસ્થાઓએ ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળીને ગૌમાતા માટે ફંડ એકત્રિત કરવા તાજાવાલા લોહાણા મહાજન વાડી ખાતે વડોદરાના પ્રખ્યાત સિંગર જયદેવ ગોસાઈના સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ સંગીત સમારોહમાં પોરબંદરના રાજકીય અને સામાજિક આગેવાનો તથા દાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સુંદર કાર્યક્રમને માણી આ જીવદયાના કાર્યને બિરદાવ્યું હતું.  અને યથાયોગ્ય અનુદાન આપેલ હતુ. જેના થકી ૪ લાખથી વધુ રકમ એકત્ર થઇ હતી.
ઉદય કારાવદરા ટ્રસ્ટના પ્રમુખ નેહલબેન કારાવદરાના માતા પિતા તથા ડો. સુરેશભાઈ ગાંધી અને હિરલબા જાડેજા સહિત આગેવાનોએ દિપ પ્રાગટય દ્વારા કાર્યક્રમને શરૂ કરાવ્યો હતો. નેહલબેન કારાવદરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ભુપેન્દ્રભાઈ ડોડીયાએ આઇસોલેશન સેન્ટર અને ટ્રસ્ટની કામગીરીની માહિતી રજૂ કરી હતી. ગૌ વંશની રાત દિવસ સેવા કરતા નેહલબેન કારાવદરા તથા વિજયભાઈ વડુકર અને આઇસોલેશન સેન્ટરમાં સેવા આપતા તમામ સેવકોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા મહાજન ના મંત્રી રાજેશભાઈ લાખાણી અને તમામ સહયોગી સંસ્થાઓના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ જેસીઆઈના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ડો. રાજેશ કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું.