રાજકોટમાં આજે વહેલી સવારથી મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. સવારના 7થી 8 વાગ્યા સુધીમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે 8થી 9 વાગ્યા સુધીમાં વધુ 5 MM વરસાદ વરસ્યો હતો. હાલ પણ ધીમી ધારે ઝાપટા વરસી રહ્યા છે. આથી પોપટપરાનું નાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રાજકોટની જીવાદોરી આજીડેમ 18મી વખત ઓવરફ્લો થતા પાણીનું સંકટ દૂર થયું છે. આજીડેમ ઓવરફ્લો થતા અદભુત નજારો કેમેરામાં કેદ થયો છે. આ ડેમ 1954માં બનાવવામાં આવ્યો હતો. આથી 68 વર્ષમાં આજે 18મી વખત ઓવરફ્લો થયો છે.
રાજકોટ શહેરમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સવારના 7 વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે. સવારના 7 થી 9 વાગ્યા સુધીમાં સૌથી વધુ ઇસ્ટ ઝોનમાં 30 MM, સેન્ટ્રલ ઝોનમાં 28 MM અને વેસ્ટ ઝોનમાં 17 MM વરસાદ નોંધાયો છે. શહેરના આજીડેમ, માધાપર ચોકડી, રેસકોર્સ રિંગ રોડ, ઢેબર રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞીક રોડ, જંક્શન પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે સવા ઈંચ વરસાદમાં જ પોપટપરાનું નાળુ ભરાઇ જતા વાહનો પાણીમાં બંધ પડી જતા લોકો પરેશાન થયા છે. લોકોએ બંધ વાહન દોરીને નાળામાંથી બહાર કાઢવાની ફરજ પડી રહી છે.
આજીડેમ ઓવરફ્લો થતા નવા નીરના વધમણા કરવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી, રાજ્યકક્ષાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને મેયર ડો.પ્રદીપ ડવ દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. ડેમમાં શ્રીફળ, ચૂંદડી અને ફૂલો પધરાવી નવા નીરની વધામણી કરી હતી.