વિશ્વાસ થી વિકાસ યાત્રા અંતર્ગત પાલનપુર ખાતે મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના હસ્તે રૂ. ૫૯.૭૭ કરોડના ૨૩ કામોનું ઇ-ખાતમૂર્હત અને ઇ-લોકાર્પણ કરાયું..
ડબલ એન્જિન સરકાર લોકોનો વિશ્વાસ સાર્થક કરીને વિકાસ માટે આગળ વધી રહી છે: શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા..
વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પાલનપુર ટાઉન હોલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો..
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ટાઉન હોલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત વિભાગના કુલ-૫૯.૭૭ કરોડ રૂપિયાના ૨૩ કામોનું ઇ- ખાતમૂર્હત અને ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર ડબલ એન્જિનવાળી સરકાર લોકોનો વિશ્વાસ સાર્થક કરીને વિકાસ માટે આગળ વધી રહી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સુશાસનના ફળ છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર "ટીમ ગુજરાત"ને એક વર્ષનો સમય આજે પૂર્ણ થયો છે. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના શાસનની ઉજવણીનો નથી પરંતું આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારના માધ્યમથી આપણા રાજ્ય અને દેશનો જે વિકાસ થઈ રહ્યો છે એની વાત પ્રજા સમક્ષ મુકવાનો કાર્યક્રમ છે.
મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ ગુજરાતની ભૂતકાળની પરિસ્થિતિની વિશે વાત કરતા જણાવ્યું કે, 1995 પહેલાં ગુજરાત સ્થિતિ કેવી હતી. ગુજરાતની અંદર 365 દિવસમાંથી 200 થી વધારે દિવસ કર્ફ્યું રહેતો, આજે કર્ફ્યુ શબ્દ જ ભુલાઇ ગયો છે અને શાંતિ, સલામતિ અને સુરક્ષાનું શાસન આ સરકારે આપ્યું છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાં દર ચોથા વર્ષે દુષ્કાળ પડતો હતો. ઉત્તર ગુજરાતમાં દુષ્કાળની આ પરિસ્થિતિના કારણે પેટનો ખાડો પુરવા અને બાળકોનું ભરણપોષણ કરવા માટે બહારના વિસ્તારોમાં મજુરીએ જવું પડતું હતું. આજે જે પરિવર્તન આવ્યું છે એ આપણી સરકારની વિકાસની રાજનીતિને આભારી છે. તેમણે કહ્યું કે, કોઈપણ જાતના ભેદભાવ વગર દેશના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની યાત્રાનો આરંભ કરાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા રેલ્વે, એર કનેક્ટીવીટી, આરોગ્ય સેવા માટે હોસ્પિટલો સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. તેમણે કહ્યું કે, આપણું ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારથી અત્યાર સુધી નહોતું મળ્યું એ છેલ્લા આઠ વર્ષની અંદર આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને આપ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનતાની સાથે 17 માં દિવસે નર્મદા ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી દીધી હતી. નર્મદા યોજના, સુજલામ-સુફલામ યોજના, સૌની યોજનાના માધ્યમથી આપણે ખેડુતોના ખેતરો સુધી પાણી પહોંચાડી શક્યા છીએ. મંત્રીશ્રીએ કહ્યું કે, આપણી વર્ષો જુની માંગણી યાત્રાધામ અંબાજીને રેલ્વે નેટવર્કથી જોડવા માટે રૂ. 2800 કરોડના ખર્ચે તારંગા હિલથી અંબાજી- આબુરોડ સુધીની રેલ્વેલાઇનને મંજૂરી આપવામાં આવી છે.
મંત્રીશ્રીએ બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી કહ્યું કે, આપણા વિસ્તારની લોકલાગણી અને માગણીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદારતાપૂર્વક બનાસકાંઠા માટે જે પણ કંઈ કરવું પડે એ કરવાની તૈયારી દર્શાવી છે. બનાસકાંઠામાં સિંચાઇના પાણી માટે કસરા-દાંતીવાડા, મુક્તેશ્વર અને કર્માવત તળાવને ભરવા માટે સિંચાઇની યોજનાઓ અમલી બનાવી છે. નર્મદા કેનાલ, સુજલામ- સુફલામ, દાંતીવાડા કે સીપુ યોજનાના માધ્યમથી જ્યાં પાણી નથી પહોંચાડી શકાતું તેવા વિસ્તારનો વિશેષ અભ્યાસ કરી ત્યાં ખેત તલાવડીઓ બનાવવામાં આવે જેના માધ્યમથી સિંચાઈની વ્યવસ્થા થઈ શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા આ જિલ્લા માટે ખાસ યોજના વિચારવામાં આવી છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં આવેલ પરિવર્તન વિશે જણાવી કહ્યું કે, સામાન્ય પરિવારના દિકરા-દિકરીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવા સરકાર કટિબદ્ધ છે. ગુજરાતની તમામ શાળાઓના વિદ્યાર્થીઓનું સુપરવિઝન કરી શકાય અને શાળાની પ્રવૃત્તિઓને અપડેટ કરી શકાય તે માટેનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર શરૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે.
આ પ્રસંગે લોકસભા સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિ કરીને લોકોનો વિશ્વાસ સંપાદન કર્યો છે. પાલનપુરની ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે બ્રિજ અને બાયપાસ બનાવવાની મંજુરી અપાઇ છે. ભૂતકાળમાં ગ્રામ પંચાયતનું રેકર્ડ ખરીદવાના રૂપિયા નહોતા, ગામડાઓ તો શું શહેરોમાં પણ વીજળી નહોતી, એકથી ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ નહોતા. આજે ઠેર ઠેર શિક્ષણની સુવિધા, પાકા રસ્તાઓ, ૧૦૦ ટકા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી આ સરકારે પહોંચ્યાડ્યું છે. આ સરકારે ગરીબો, વંચિતો, દલિતો અને ખેડુતો સહિત તમામના લોકોના સર્વાંગી વિકાસ માટે કામ કર્યુ છે.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે રૂ. 115.50 લાખ કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડની સહાય ૧૦ ગ્રામ સખી સંઘને એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સખી મંડળની બહેનોને રિવોલ્વીંગ ફંડ, ગેસ કનેક્શનના લાભાર્થીઓને ગેસ કીટ અને આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી, રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિરણબેન રાવલ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, દિલીપભાઇ વાઘેલા, ગિરીશભાઇ જણાણીયા, લાલજીભાઇ પ્રજાપતિ, મોતીભાઈ પાળજા, અશ્વિનભાઇ સક્સેના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેકટરશ્રી રીટાબેન પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ સહિત અધિકારીઓ- પદાધિકારીઓ, અને સારી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.