ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે રાજકીય માહોલ ગરમ થતો જઈ રહ્યો છે અને હવે તો તેમાં હિંસાનું સ્વરૂપ પણ ધારણ કરી દીધું છે. અમદાવાદમાં આજે ભાજપના ગોમતીપુર વોર્ડના યુવા મોર્ચાના પ્રમુખ પર જીવલેણ હુમલો થયો હતો. આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકર્તા પવન તોમર પર હુમલો કર્યો હતો.
ભાજપના યુવા મોર્ચાના પ્રમુખ અને યુવા નેતા પવન તોમર દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને ના કહેવા પર હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પહેલા પવન તોમરના કાર્યાલય પર જઈને હુમલો કર્યો અને ત્યાર બાદ પવન તોમર પર છરી વડે હુમલો કર્યો હતો જથી યુવા નેતા ગંભીર રીતે ઘાયલ થતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ હુમલા અંગે ભાજપના પ્રવક્તા ડૉ યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની હલકી માનસિકતાથી રાજનીતિ કરી રહ્યું છે. ગુજરાત એક શાંત રાજ્ય રહ્યું છે અને આ ખુબ જ ગેરવ્યાજબી વાત કહેવાય છે. આ ગુજરાતની પરંપરા નથી અને ગુજરાતને બદનામ કરવા માટે આવા લોકો હુમલા કરે છે. સમગ્ર રાજ્યને બદનામ કરવાની રાજનીતિ રમાઈ રહી છે.