વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી આવી રહી છે ત્યારે યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા શરૂ થયેલા પ્રચાર દરમિયાન મારમારીનો બનાવ બન્યો હતો.
એમ.એસ. યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં યોજાનાર વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી જીતવા માટે AGSG ગ્રૂપ દ્વારા વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રૂપમાંથી આતિફ મલિક તથા અન્ય એક યુવાનને ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવામાં આવતા મામલો બીચકયો હતો અને વાત મારામારી ઉપર પહોંચી હતી.
AGSG ગ્રૂપના વિદ્યાર્થીઓ અને ગ્રૂપમાંથી દૂર કરવામાં આવેલા આતિફ મલિકના ગ્રૂપ વચ્ચે કોમર્સ ફેકલ્ટી ખાતે મારામારી થતા ભારે ભાગદોડ મચી હતી.
આ ઘટનામાં AGSG ગ્રૂપના વિદ્યાર્થીઓ દ્વારા આતીફ મલિકને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. AGSG ગ્રૂપના વિદ્યાર્થીઓ લાકડીઓ સાથે ધસી આવતા આતિફ મલિક કેમ્પસ છોડી ફરાર થઇ ગયો હતો.
મારામારીના આ બનાવને પગલે યુનિવર્સિટીની વિજિલન્સ ટીમ પણ દોડી આવતા કેમ્પસમાં દોડધામ મચી ગઇ હતી. વિદ્યાલય સંકુલમાં ભાગદોડના દ્રશ્યો જોવા મળ્યા હતા.
કોમર્સ ફેકલ્ટી ઉપર થયેલી મારામારી અંગે વિદ્યાર્થી આગેવાન હર્ષિલ રબારી તેમજ હરીફ પક્ષના વિદ્યાર્થી અગ્રણીએ સામસામે આક્ષેપો કર્યા હતા.
ફેકલ્ટીમાં બનેલા મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયા હતા. તે સાથે મામલો સયાજીગંજ પોલીસ મથકમાં પહોંચ્યો હતો.