ભુજ, સોમવારઃ
    ભુજ તાલુકાના મદનપુર-સુખપર ગામેશ્રી નરનારાયણ દેવ દ્રિશતાબ્દી મહોત્સવની ઉજવણીની અખંડધુનમાં રામેશ્વર મહાદેવ મંદિરે પ્રેરક ઉપસ્થિત નોંધવતા વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, મહિલાઓ સ્વશકિતને ઓળખે તે માટે સરકાર મહિલા શકિતના વિવિધ કાર્યકમો યોજે છે જેમાં તમારા જેવી મહિલાઓ પોતાની સેવા, નિષ્ઠા, કર્તવ્ય  અને ફરજથી સુપેરે સાબિત થાય છે.
    પરિવારની સલામતી અને સુરક્ષાની ભાવના દરેક મહિલા રાખે છે. ઘર્મ અને સંસ્કૃતિ તેમજ ઘરની જવાબદારી મહિલાઓ સુપેરે નિભાવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા શકિત પર ભરોસો મૂકી શ્રી નિર્મલા સીતારમનને નાણામંત્રી બનાવ્યા છે.
    મહિલાઓની અથાગ શકિત ઓળખીને સરકારે તેમને આત્મનિર્ભર બનાવવા વિવિધ યોજનાઓ અમલી બનાવી છે તેનો ઉપયોગ કરી વધુ સમૃધ્ધ બનીએ. આ તકે સરપંચશ્રીને ગટર અને પંચાયતના કામો કરી આપવા ખાતરી આપી હતી.
    જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ અખંડ સ્વામીનારાયણ ધુનમાં ધાર્મિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, કચ્છનું ગૌરવ એવા ભુજના ધારાસભ્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય મહિલા સશકિતનું-કચ્છનું ગૌરવ છે. વડાપ્રધાનશ્રીએ મહિલા ઉત્કર્ષ માટે હર ઘર શૌચાલય, કન્યા કેળવણી, સુકન્યા સમૃધ્ધિ યોજના, હર ઘર નળ, ઉજ્જવલા યોજના, જન ધન યોજના, વગેરે જનકલ્યાણકારી યોજના લાવી વિકાસની હરોળમાં આપણને મુકવા પ્રયત્નો કર્યા છે. ઈન્ફ્રાકટ્રકચરના વિકાસ સાથે સંસ્કારથી આધુનિક સાથે સંસ્કારી પેઢીના ઘડતરનું કામ સરકાર કરી રહી છે. ધોરણ ૬ થી ૧૨માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે ગીતાના પાઠ પણ ભણાવાશે. જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ છેવાડાના લોકોને સરકારી યોજનાના લાભો અપાવવા પ્રયત્ન કરી રહયા છે. આ તકે તેમણે મદનપુર-સુખપર ગામે કરાયેલ વિકાસકામોના હકારાત્મક પરિણામોની વિગતો રજુ કરી હતી.
    આ તકે ગટર કામ માટે રૂ.૧૦ લાખ મનજીભાઈ ખેતાણીની માંગણીને ધ્યાને લઇ વિકાસ કામ માટે ફાળવ્યાની જાહેરાત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ કરી હતી. ભુજ ધારાસભ્યશ્રી ડો.નીમાબેન આચાર્યની ગ્રાન્ટમાંથી સામજી વેલજી રૂ.૧.૫૦ લાખના ઈન્ટરલોક કામ, રામેશ્વર મંદિર રોડ કામ રૂ.૭.૫ લાખનું કામ, મદનપુર ગામે મુખ્ય રોડ સી.સી.રોડ બાંધકામ માટે રૂ.૬૦ લાખ ફાળવણી અને રૂ.૧ લાખ રૂ.ના બાંકડા આપવાની જાહેરાત આ પ્રસંગે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, અગ્રણીશ્રી ભીમજીભાઇ જોધાણી, તાલુકા પંચાયત સદસ્યશ્રી મનજીભાઇ ખેતાણી, સરપંચશ્રી પૂનમબેન મેપાણી, ઉપસરપંચશ્રી પુષ્પાબેન ખેતાણી, સાંખ્યયોગી મહંતબાઇ જિલ્લા પંચાયત સદસ્ય મનીષાબેન, સુખપર ગામના અમરતબેન, તુષારભાઇ ભાનુશાળી તેમજ  ગામના અગ્રણીઓ, મદનપુર સ્વામીનારાયણ મંદિરના સાંખ્યયોગિની બાઈઓ, ધાર્મિક બહેનો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહયા હતા.