ભુજ, સોમવાર
આજથી સમગ્ર રાજ્યમાં બે દિવસ માટે પ્રાંત અને જીલ્લા કક્ષા તેમજ રાજ્યકક્ષાએ વિશ્વાસ થી વિકાસયાત્રાના કાર્યક્રમમાં લોકાભિમુખ વિકાસકામો કરાશે .જેમાં રૂ.૬૧ કરોડથી વધુના વિકાસકામો કચ્છ જિલ્લામા કરાશે એમ વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે  જણાવ્યું હતું.
આજરોજ ભુજ , ટાઉનહોલ ખાતે યોજાએલા વિશ્વાસથી વિકાસયાત્રા ભુજ પ્રાંત કક્ષાના કાર્યક્રમમાં અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે  વધુમાં જણાવ્યું હતુ કે,” વિવિધ યોજનાકીય કામગીરી દ્વારા સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત આજરોજ જિલ્લામાં કુલ રૂ. ૧૮.૩૭  કરોડના કુલ  ૯૪૯ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો પ્રજાર્પણ   કરાશે તેમજ ભુજ  પ્રાંતકક્ષાના કાર્યક્રમ અન્વયે રૂ. ૭૮ લાખના ૧૧૫ કામોના ઈ-ખાતુહુર્ત તેમજ રૂ. ૪૩ લાખના ૧૨ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું  છે.
વિકાસ કામોના ઈ-ખાતુહુર્ત અને ઈ-લોકાર્પણ કરવાના પ્રસંગે તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે , વિશ્વાસથી વિકાસની ગુજરાતની આ વણથંભી વિકાસ યાત્રા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભૂકંપની આપદામાં આપણા પડખે ઊભા રહી વિશ્વાસ આપ્યો, વચન આપ્યું કે કચ્છને સિંગાપુર બનાવીશું જેના પગલે આજે કચ્છનો સર્વાંગી વિકાસ થયો છે. વિવિધ સહાયકારી પેકેજો અને યોજનાઓ પૈકી ઉદ્યોગો, પ્રવાસન અને રોજગારીના વિવિધ પ્રકલ્પો પણ અહીં ઊભા કરવામાં આવ્યા છે. સફેદ રણ બાદ હવે ભુજનું  સ્મૃતિવન પણ મુલાકાતીઓ અને પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બનશે તેમજ સ્થાનિકો માટે રોજગારીની તકો ઊભી થશે.
ભુજ શહેરમાં થયેલા વિવિધ વિકાસ કામોની વિગતે રજૂઆત કરીને અધ્યક્ષાશ્રી એ ભવિષ્યમાં થનાર વિકાસકામોની પણ વિગતે માહિતી આપી હતી. કચ્છ નર્મદાશાખા નહેરના વિકાસ અંગે વિગતે માહિતી પૂરી પાડતા અધ્યક્ષશ્રી એ એમ પણ કહ્યું હતું કે, નર્મદાના નીર ટપ્પરડેમ સુધી અઢાર માળ સુધી ચડે એવી અદભૂત ટેકનોલોજીથી પાણીની સગવડ પૂરી પાડવા માટે આપણે શ્રીનરેન્દ્રભાઈ નો આભાર માનવો જોઈએ. પ્રજાનો વિશ્વાસ વધતો જાય એ રીતે વિકાસ કામો સરકાર કરી રહી છે ત્યારે ૨૦૨૪ માં ખેડૂતોની આવક બમણી કરવાના શ્રીનરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા કચ્છના ખેડૂતો પણ આગળ આવ્યા છે. ખેડૂત કિસાન સન્માન નિધિ યોજના,  સાત પગલાં  ખેડૂત કલ્યાણના ,ખેડૂતલક્ષી યોજનાઓ તેમજ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે યોજનાઓ અને તેના ફાળવેલા નાણાં  અંગે પણ અધ્યક્ક્ષાશ્રી એ ઉલ્લેખ કર્યો હતો. ભુજ શહેર અને કચ્છના વિકાસ માટે કલેક્ટરશ્રી એ ફાળવેલા ડીસ્ટ્રીક્ટ મિનરલ ફંડના નાણાનો ઉલ્લેખ કરી આ તકે અધ્યક્ષશ્રી એ કલેક્ટરશ્રી  પ્રવિણા ડી.કે નો પણ આભાર માન્યો હતો.
            ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઈ ઠક્કરે પ્રાસંગિક પ્રવચનમાં ભુજમાં ડબલ એન્જિનગ્રોથ વાળી સરકારે કરેલા વિકાસકામો તેમજ ભુજ ધારાસભ્યશ્રી ડો.નીમાબેન આચાર્યની ગ્રાન્ટમાંથી થયેલા વિકાસકામો અને થનારા વિકાસ કામોની વિગતે માહિતી પૂરી પાડી હતી.
        કાર્યકારી ભુજ પ્રાંત અધિકારી શ્રી ડૉ.મેહુલભાઈ બરાસરાએ સ્વાગત પ્રવચનમાં વિશ્વાસથી વિકાસ કાર્યક્રમનો હેતુ જણાવ્યો હતો. આ કાર્યક્રમની આભારવિધિ અને સંચાલન મનનભાઈ ઠક્કરે કર્યું હતું. આ કાર્યક્રમમાં માહિતી ખાતા દ્વારા વિશ્વાસથી વિકાસયાત્રાની દસ્તાવેજી ફિલ્મ દર્શાવવામાં આવી હતી જેને દર્શકોએ રસભેર માણી હતી.
આ કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, ભુજ તાલુકા અને શહેરના અગ્રણી નાગરિકો તેમજ કલેકટરશ્રી પ્રવીણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, કાર્યવાહક પ્રાંતઅધિકારી શ્રી ભુજ ડો. મેહુલ બરાસરા ,જિલ્લા આયોજન અધિકારી શ્રી જે. કે .ચાવડા, ભુજ તાલુકા વિકાસ અધિકારી શ્રી વજેસિંગ પરમાર, ભુજ  સિટી મામલતદાર શ્રી કલ્પનાબેન ગોંદીયા તેમજ ભુજ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી જીગર પટેલ અને ભુજ જીલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.